શ્રાવણ માસમાં સોમનાથ જતી ટ્રેનોમાં વધારાનો કોચ જોડવા માગણી
આગામી 24 જૂલાઇથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થવાનો છે. ભાવિકો ભોળાનાથની ભક્તિમાં લીન થશે. શ્રાવણ મહિનામા સોમનાથમાં ભાવિકોને પ્રવાહ સૌથી વધારે રહે છે. આ સમયગાળા દરમ્યાન ભાવિકોને સુવિધા મળી રહે તે માટે વેરાવળ જતી ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવે તેવી રજૂઆત રેલવે કમિટિના સભ્ય દ્વારા કરવામાં આવી છે.
ડિવિઝનલ રેલવે યૂઝર્સ ક્ધસલ્ટેટિવ કમિટીના સભ્ય દ્વારા રાજકોટ અને ભાવનગર રેલવે વિભાગને આ અંગે સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતનો મુખ્ય હેતુ શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દર્શનાર્થે આવતા યાત્રિકોને ટ્રેનોમાં પૂરતી જગ્યા અને સુવિધા મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ જતી ટ્રેનોમાં સામાન્ય દિવસો કરતાં અનેકગણી વધુ ભીડ જોવા મળે છે.
ખાસ કરીને ગુજરાતના વિવિધ શહેરો અને આસપાસના રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ટ્રેન મુસાફરી મુખ્ય વિકલ્પ હોય છે. આવા સમયે, ટ્રેનોમાં સીટ અને બર્થની અછત સર્જાય છે, જેના કારણે અનેક શિવભક્તોને ઉભા રહીને અથવા અગવડભરી રીતે મુસાફરી કરવી પડે છે, તો કેટલાકને ટિકિટ ન મળવાને કારણે પોતાની યાત્રા રદ કરવી પડે છે.
આ રજૂઆતને પગલે રાજકોટ અને ભાવનગર રેલવે વિભાગ આ મુદ્દે સકારાત્મક વિચારણા કરશે તેવી આશા સેવાઈ રહી છે. જો રેલવે વિભાગ દ્વારા આ માંગણી સ્વીકારી લેવામાં આવે અને વધારાના કોચની વ્યવસ્થા કરવામાં આવે તો શ્રાવણ માસ દરમિયાન સોમનાથ આવતા હજારો શિવભક્તોને મોટી રાહત મળશે અને તેમની ધાર્મિક યાત્રા વધુ સુખદ અને આરામદાયક બનશે. આનાથી રેલવેને પણ વધારાની આવક થશે અને યાત્રિકોનો સંતોષ પણ વધશે. શ્રદ્ધાળુઓ અને રેલવે યુઝર્સ આશા રાખી રહ્યા છે કે, રેલવે વિભાગ દ્વારા સમયસર નિર્ણય લેવામાં આવશે, જેથી શ્રાવણ મહિનાની શરૂૂઆત પહેલા જ યાત્રિકો માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ બની શકે.
કોરોના કાળમાં બંધ થયેલી ટ્રેનો હવે તો ફરી શરૂ કરો
કોરોના વખતે રેલવે દ્વારા કેટલીક લોકલ ટ્રેનો બંધ કરવામાં આવી હતી. જે આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે અપડાઉન કરતા અને મુસાફરી કરતા યાત્રિકોને ભારે હાલાકી પડી રહી છે. મધ્યમ વર્ગના પરિવારો સૌથી વધારે ટ્રેનનો ઉપયોગ પરીવહન માટે કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે બંધ થયેલી લોકલ ટ્રેનો શરૂ કરવા યાત્રિકોમાં માંગ ઉઠી છે.