મારૂએ આપેલા 139 NOCની તપાસ માટે સરકાર પાસે CFOનીમાગણી
ફાયર ઓફિસરની વર્ગ-1ની જગ્યા માટે મ્યુનિ. કમિશનર અને ડે કમિશનરે ચર્ચા કરી
એસીબીની તપાસના રિપોર્ટના આધારે સસ્પેન્ડનો ઓર્ડર સરકાર કરશે
મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ લાંચ લેતા પકડાઈ જતાં કોર્પોરેશન ફરી વખત નોંધાતુ બની ગયું છે. એસીબી દ્વારા લાંચિયા અધિકારી વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે કોર્પોરેશનમાં ખાલી પડેલ સીએફઓની જગ્યા માટે મ્યુનિસિપલ કમિશનરે તૈયારીઓ આરંભી છે. અને આ મુદ્દે તેઓએ જણાવેલ કે, ચીફ ફાયર ઓફિસર વર્ગ-1ની જગ્યા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે.
તેમજ અનિલ મારુ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ 139 એનઓસીની તપાસ માટે પણ સરકાર એફએસઓની નિમણુંક કરે ત્યાર બાદ શરૂ થશે. તેમજ અનિલ મારુંની લાંચના ગુનામાં ધરપકડ થતાં તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ પણ સરકાર કરી શકે છે.
મહાનગરપાલિકાના લાંચ પ્રકરણમાં મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈએ જણાવેલ કે, સરકાર દ્વારા ઈન્ચાર્જ સીએફઓની નિમણુંક કરાતા ફાયર એનઓસી સહિતની કામગીરીનો ભાર હળવો થઈ ગયો હતો. પરંતુ ચીફ ફાયર ઓફિસર અનિમ મારું લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતાં ફરી વખત વર્ગ-1ની ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી થઈ ગઈ છે. પોલીસ વિભાગ દ્વારા લાંચ પ્રકરણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ કોર્પોરેશન લેવલની તપાસ માટે સીએફઓની જરૂરિયાત ફરી વખત ઉભી થઈ છે. અનિલ મારું દ્વારા અત્યાર સુધીમાં કાઢવામાં આલેલ 139 એનઓસીની ચકાસણી સીએફઓ લેવલના જ અને ફાયર એક્ટ એક્સપર્ટ જ કરી શકે આ વર્ગ-1ની જગ્યા ફરી ખાલી થઈ ગઈ છે. ત્યારે સરકાર પાસે એફએસઓની માંગણી કરવામાં આવશે. જેના માટે ડેપ્યુટી કમિશનર સાથે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. હાલ નવી એનઓસી કાઢવાનું અને એનઓસી રિન્યુ સહિતની કામગીરી બંધ થઈ ગઈ છે.
મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવેલ કે, સરકાર દ્વારા ઈન્ચાર્જ એફઓસઓની નિમણુંક કરવામાં આવી હતી. જેમની લાંચના ગુનામાં ધરપકડ કરવામાં આ જગ્યા ફરી વખત ખાલી થઈ ગઈ છે. ચીફ ફાયર ઓફિસરની નિમણુંક સરકાર દ્વારા જ કરી શકાય છે. હાલ ફાયરની કામગીરીબંધ થઈ ગઈ છે. ત્યારે કોર્પોરેશન લેવલે વર્ગ-2 કે વર્ગ-3ના કોઈ અધિકારીને સીએફઓનો ચાર્જ સોંપી શકાતો નથી. પરિણામે સરકાર જ્યાં સુધી નવા ચીફ ફાયર ઓફિસરની નિમણુંક ન કરે ત્યાં સુધી ફાયર વિભાગની મંજુરી અર્થે આવતી તમામ પ્રકારની કામગીરી પેન્ડીંગ રાખવામાં આવશે. તેવી જ રીતે લાંચના ગુનામાં ધરપકડ થયા બાદ અનિલ મારૂની ખાતાકીય તપાસ માટે પણ સરકાર દ્વારા એફએસઓની નિમણુંક કરવામાં આવશે. જેના રિપોર્ટના આધારે તેમના વિરુદ્ધ પગલા લેવાશે. તેવી જ રીતે એસીબી દ્વારા લાંચની તપાસ કરવામાં આવી રહી છે. તેના રિપોર્ટના આધારે અનિલ મારુ સામે સસ્પેશન સહિતના પગલા પણ સરકાર દ્વારા લેવમા આવશે.
અનિલ મારૂ વિરુદ્ધ ફરિયાદો આવેલ પણ હું કઈ કરી શકું તેમ ન હતો : મ્યુનિસિપલ કમિશનર
મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુની એસીબી દ્વારા લાંચના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ અધિકારી વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદો થયેલ હતી. તે બાબતે મ્યુનિસિપલ કમિશનરને પુંછતા તેમણે જણાવેલ કે, આ મુદ્દે કોઈ પણ વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવે તો તે સાબિત થઈ શકતી નથી એસીબીએ અનિલ મારુને લાંચ લેતા રંગેહાથ પકડ્યો છે. છતાં આ કેસ વર્ષો સુધી ચાલતો રહેશે. તેમજ જો ગુનો સાબિત ન થાય અને કોર્ટ અનિલ મારુને નિર્દોષ છોડી દે તો જેટલા વર્ષ કેસ ચાલ્યો હોય તેટલા વર્ષનો પુરે પુરો પગાર અનિલ મારુએ કામ કર્યુ ન હોય તો પણ કોર્પોરેશને ચુકવવાનો થાય છે. આથી અનેક કિસ્સાઓમાં ખાતાકીય પગલા લેવાયા બાદ અધિકારીઓ કોર્ટમાં નિર્દોષ છુટી જતા હોય છે. આથી અનિલ મારુ વિરુદ્ધ ફરિયાદો ઉઠેલ પરંતુ તે સાબિત કરી શકાતી નથી. આથી આ બાબતે મે કોઈ જાતના પગલા લીધા ન હતાં. અને હવે કોર્ટ ચુકાદો આપે તે મુજબ સરકાર કાર્યવાહી કરશે.
અરજી પેન્ડિંગ નથી: ઘાણવો નીકળી ગયો
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુની લાંચના ગુનામાં ધરપકડ થતાં ફાયર એનઓસી માટે આસામીઓએ કરવામાં આવેલ અરજીઓ પેન્ડીંગ રહેશે કે કેમ તે અંગે પુછવામાં આવતા મ્યુનિસિપલ કમિસનરે જણાવેલ કે, નવી ફાયર એનઓસી માટે દરરોજ ચાર થી પાંચ અરજીઓ આવી રહી છે. અને અગ્નિકાંડ બાદ સિલિંગ થયેલ મિલ્કતોના સીલ ખોલવા માટે કરવામાં આવેલ તમામ અરજીઓનો નિકાલ કરી નાખવામાં આવ્યો છ ે. આથી હાલ 20થી 25 અરજીઓ પેન્ડીંગ હોવાનું જાણવા મળેલ છે.
સાઈનિંગ ઓથોરિટી ન હોવાથી કામગીરી બંધ
મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસરની ધરપકડ થતાં ફાયર વિભાગ ફરી વખત નિષ્ક્રીય થઈ ગયું છે. હાલમાં આવતી ફાયર એનઓસી માટેની તમામ અરજીઓનો નિકાલ કરવો હવે અઘરો બન્યો છે. કારણ કે, ફાયર એનઓસી માટે કરાવમાં આવતી અરજીઓની તમામ તપાસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યા બાદ ફાઈનલ સહી ચીફ ફાયર ઓફિસરની થાય છે. જેના આધારે ફાયર એનઓસી મળવા પાત્ર છે. આથી સાઈનીંગ ઓથોરીટી ન હોવાના કારણે આજથી ફાયર એનઓસી સહિતની તમામ કામગીરી બંધ કરવામાં આવી છે. તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.