બસપોર્ટમાં મુસાફરોને લોહીલુહાણ કરતી રેલિંગ તાકીદે રિપેર કરવા માગણી
ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના આગેવાનોની રજૂઆત: એસ.ટી.ની ફરિયાદ બુકમાં કરી નોંધ
ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, જીગ્નેશભાઈ બોરડ, પટેલ લાખાભાઈ ઊંધાડ, જયંતીભાઈ હિરપરા, ગજુભા જાડેજા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટના જવાબદાર કોન્ટ્રાક્ટરો અને એસ.ટી અધિકારીઓના વચ્ચે સંકલનના અભાવે એસટી બસપોર્ટના મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. મુસાફરોને ફરિયાદ બુકમાં ફરિયાદ કરવામાં અભિમન્યુના સાત કોઠા વિંઝવા પડે તેવો માહોલ છે.
રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર નિયમિત 1800 થી વધુ બસોની અવર જવર રહે છે. હજારો મુસાફરો એસ.ટી બસોમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પરના 22 પ્લેટફોર્મ પર આગળના ભાગમાં સ્ટીલની જે રેલિંગ કે જે સેફટી ગાર્ડ ગણાય છે તે રેલિંગો જ મુસાફરોને લોહી લુહાણ કરે અને જાન લેવા સાબિત થાય તે પ્રકારની બની ગઈ છે બસ પોર્ટ માના 22 પ્લેટફોર્મમાંથી 10 પ્લેટફોર્મમાં આગળના ભાગમાં રહેલી રેલિંગો તૂટી જતા આ અંગે સ્ટેન્ડ ઇન્ચાર્જને મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા મૌખિક ફરિયાદ કરવા છતાં રેલિંગોની મરામત કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા ગુજરાત એસ.ટી મુસાફર રક્ષક સમિતિ ના ગજેન્દ્રસિંહ ઝાલાએ ટ્રાફિક કંટ્રોલરૂૂમમાં જ્યારે ફરિયાદ બુક માગવામાં આવી ત્યારે એક તબક્કે ફરિયાદ બુક ખલાસ થઈ ગઈ છે આજે ડિવિઝનમાં ગાંધી જયંતી ની રજા છે કાલે મંગાવી લેશું એ પ્રકારનો જવાબ મળેલ હતો.
ત્યારબાદ એક સપ્તાહ પછી પણ રેલિંગની મરામત કરવામાં તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સંકલનના અભાવે કામ થયું નહીં જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ના ગજેન્દ્રસિંહ ઝાલાએ જ્યારે ટ્રાફિક કંટ્રોલર ની ઓફિસમાં ફરિયાદ બુક માંગી ત્યારે કહેવામાં આવ્યું કે ઉપર સાહેબોને મળવું પડે પછી ફરિયાદ બુક મળે સાહેબો એ ફરિયાદ બુક આપવાની ના પાડી છે. (જોકે આ અંગે કોઈ લેખિત આદેશ કરવામાં આવેલ નથી) ફરિયાદ બુક આપવાની કોઈ મુસાફરને ના ન પાડી શકાય ગુજરાત એસ.ટી મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી પરિશિષ્ટ અ મુજબ મુસાફર પોતાની ફરિયાદો કે સૂચનો એમાં લખી શકે છે પરંતુ એસ.ટીના અમુક અધિકારીઓને ફરિયાદો થાય કે સૂચનો મળે એ મંજૂર નથી જે પગલે અગાઉ પણ વિવાદ થયેલ હતો.
અત્યાધુનિક એસટી બસપોર્ટ કે જે થાળી ભાંગીને વાટકો કરેલ છે 175 કરોડના ખર્ચે બનેલ એસ.ટી બસ સ્ટેશનમાં સામાન્ય ખર્ચમાં તૂટેલી રેલિંગોની મરામત કરવામાં અક્ષમ્ય બેદરકારી અને લાપરવાહી દાખવવામાં આવી રહી છે. એસ.ટી બસના કંડક્ટરોએ ફરિયાદ બુક રાખવી ફરજીયાત છે પરંતુ ડેપો મેનેજર દ્વારા ફરિયાદ બુકો આપવામાં આવતી નથી બસની અંદર લખેલું હોય છે કે ભાડા પત્રક અને ફરિયાદ બુક કંડકટર પાસે છે. પરંતુ ફરિયાદ બુક અપાતી જ નથી ત્યારે રાજકોટના વિભાગીય નિયામકને આ અંગે રાજકોટ ડેપોના તમામ ડેપો મેનેજરને સુચના આપવા અને દરેક બસના કંડકટર પાસે ફરિયાદ બુક ફરજિયાત બનાવવા માટે મુસાફર ઇન્ટરક્ષક સમિતિ દ્વારા લેખિત રજૂઆતો કરવામાં આવશે. તેવું મુસાફર હિતરક્ષક સમિતિના ઉપરોક્ત આગેવાનોએ જણાવ્યું છે.