ડેલા આડે બેલાનો વિવાદ, ભાજપ-આપ વચ્ચે ઘર્ષણ
ગોપાલ ઇટાલિયાએ બેલા હટાવ્યા, સરપંચે ફરી ગોઠવી દીધા, પોલીસ બંદોબસ્ત મૂકાયો
ભેંસાણના હડમતિયા ગામે રસ્તો બંધ કરવાના પ્રકરણમાં રાજકારણ ભળ્યું
આજથી બે દિવસ પહેલા ભેંસાણ તાલુકાના હડમતિયા (વિશળ) ગામમાં દિવાલને લઈને લઈને રાજકારણ ગરમાયું છે.. જેમાં વિસાવદરથી ચૂંટાયેલા આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા ઘરની બહાર ખડકી દેવામાં આવેલા બેલા (સિમેન્ટના બ્લોક્સ) હટાવી દેતા, ભાજપ અને આપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. જેના પગલે ગામમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.
એવામાં આ સમગ્ર મામલો આખરે કોર્ટમાં પહોંચી ચૂક્યો છે. જેની આગામી 6 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાશે. ભેસાણ તાલુકાના હડમતીયા (વિશળ) ગામમાં હલાણને લઈને બે પરિવાર વચ્ચે 8 વર્ષ જૂનો વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ હાલ કોર્ટમાં છે. એવામાં આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગામમાં જઈ હલાણને બંધ કરવા માટે ડેલી આડા રાખેલા બેલાને ખસેડી નાખવા સાથે જણાવ્યું કે, હું આ બેલાને હટાવું છું અને જોઉં છું કે, આ બેલા પાછા અહીં કોણ રાખે છે. એજ રાત્રે હડમતીયા (વિશળ) ગામમાંની પંચાયત ટીમ અને તાલુકા પંચાયતા ઉપપ્રમુખે આવીને બેલા ફરી ગોઠવી હલાણ બંધ કરી દીધું હતું અને કહ્યું હતું કે આ કેસ કોર્ટમાં છે.
આ સાથે મામલતદારનો ઠરાવ પણ છે કે આ પરિવારનું હલાણ આ તરફ નથી. સાથે ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ પણ આપવામાં આવી હતી કે તારામાં તાકાત હોય તો બેલા ફરી હટાવીને બતાવ. આ મુદ્દાએ તારીખ 28 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર આખા ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી હતી. મોટો વિવાદ થતા હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ગોઠવવામાં આવ્યો છે.
બીજી તરફ ગામના સરપંચે આમ આદમી પાર્ટી પર સંગીન આક્ષેપ કરતાં જણાવ્યું કે, બંને પરિવાર શાંતિપૂર્ણ માહોલની અંદર સમગ્ર વિવાદ 10 દિવસમાં ઉકેલ લાવવાના હતા. જો કે અઅઙના બહારથી આવેલા નેતાઓ વચ્ચે પડતાં આ વિવાદ હવે લાંબો ચાલશે. જો કોર્ટ અત્યારે હુકમ કરે, તો હું પોતે જ બેલા હટાવી લઈશ. કોર્ટનો જે કોઈ પણ ચુકાદો હશે, તે માન્ય રહેશે. જેનું હું લેખિતમાં જવાબદારી આપવા માટે પણ તૈયાર છું.બીજી તરફ જૂનાગઢ ભાજપના પ્રમુખે જણાવ્યું કે, આ આખા સંદર્ભે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. હવે આગામી 6 ઓગસ્ટના રોજ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. જે બાદ નક્કી થશે કે બેલા અહીંથી હટશે કે ત્યાંના ત્યાં જ રહેશે.