દિલ્હી એઈમ્સના રાજકોટનાં ન્યુરો સર્જનો આપઘાત
રક્ષાબંધન કરવા પત્ની રાજકોટ આવ્યા બાદ દવાનો ઓવરડોઝ લઈ લીધો
દિલ્હી એઈમ્સમાં ન્યુરોસર્જન તરીકે ફરજ બજાવતાં મુળ રાજકોટનાં વતની ડોકટરે પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયા બાદ તબીબ પત્ની પોતાના માવતરે રાજકોટ આવી ગયા બાદ પાછળથી ન્યુરોસર્જને દવાનો ઓવર ડોઝ લઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
દિલ્હી એઈમ્સનાં ન્યુરો સર્જન અને રાજકોટના વતની રાજકોટ દુરદર્શનના કર્મચારી મનસુખભાઈ ધોણીયાના પુત્ર ડોકટર રાજ ધોણીયાએ આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં આપઘાત પાછળ કોઈનો વાંક ન હોવાનું ઉલ્લેખ કર્યો છે. આ મામલે દિલ્હી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
દિલ્હી એઈમ્સના ન્યુરો સર્જન મુળ રાજકોટનાં વિવિધ કર્મચારી સોસાયટી રાજનગરમાં પાસેના વતની રાજ ધોણીયા (ઉ.24)ના લગ્ન રાજકોટની ડોકટર રજની સાથે થયા હતાં. ડોકટર રજની કે જે દિલ્હીની ગંગારામ હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે. જ્યારે રાજ ધોણીયા તાજેતરમાં જ અમેરિકાથી પોતાનું મેડીકલનો અભ્યાસ પૂર્ણ કરી અને દિલ્હી એઈમ્સમાં ન્યુરો સર્જન તરીકે જોડાયા હતાં. ડોકટર રાજ અને ડોકટર રજની બન્ને દિલ્હીના ગૌતમનગર વિસ્તારમાં એક ફલેટમાં રહેતાં હતાં. ડોકટર હિના અને ડોકટર રાજ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને આજે રક્ષાબંધ માટે ડોકટર રજની દિલ્હીથી રાજકોટ ખાતે પોતાના માવતરે આવી હતી.
ડોકટર રજનીએ પોતાના પતિ ડોકટર રાજનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેણે ફોન ઉપાડયા ન હતાં. જેથી રજનીએ ગૌતમનગરના તેના ફલેટના બીજા માળે રહેતા ડોકટર આકાંક્ષાને ફોન કરી રાજ પોતાનો ફોન ઉપાડતો નથી તો પોતાના ફલેટે જઈ તપાસ કરવા જણાવ્યું હતું. ડોકટર આકાંક્ષાએ તપાસ કરતાં ડોકટર રાજ મૃત હાલતમાં મળી આવ્યો હતો.
આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે મૃતદેહની પ્રાથમિક તપાસ કરતાં ડોકટરે રાજે ઈન્જેકશન વડે દવાનો ઓવર ડોઝ લઈ આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને ફોરેન્સી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો.
મારી પોતાની ઈચ્છાથી આપઘાત કરું છું: ડો.રાજ
દિલ્હીના ગૌતમનગરમાં રહેતા મુળ રાજકોટનાં અને થોડા સમય પૂર્વે જ અમેરિકાથી અભ્યાસ કરીને દિલ્હી એઈમ્સમાં ન્યુરો સર્જન તરીકે જોડાયેલા ડો.રાજ ધોણીયાના આપઘાત બાદ પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ડો.રાજે લખ્યું છે કે ‘આ મારી પોતાની ઈચ્છા છે, હું આ માટે કોઈને દોષ આપતો નથી, એમાં કોઈનો વાંક નથી, કૃપા કરીને કોઈને હેરાન કરતાં નહીં,’ અને છેલ્લે ‘મારી ઈચ્છાને માન આપશો, ખુશ રહો’ આવો ઉલ્લેખ કર્યો હોય આ મામલે પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરીને જરૂરી કાર્યવાહી કરી છે તેમજ મૃતકના પરિવારજનોને જાણ કરતાં તેઓ રાજકોટથી દિલ્હી દોડી ગયા હતાં. સાંજે મૃતદેહ સાથે પરિવારજનો રાજકોટ આવ્યા બાદ ડો.રાજની અંતિમયાત્રા નિકળશે.