ગુજરાતમાં ડિફેન્સ મોકડ્રિલ અચાનક સ્થગિત
ઓપરેશન સિંદૂર બાદ ભારતમાં સરહદી સલામતીને લઈ તૈયારીઓ વધુ ચુસ્ત કરવામાં આવી છે અને એના ભાગરૂૂપે 29 મેના રોજ સાંજે 5થી 8 વાગ્યા સુધી વિવિધ રાજ્યોમાં વિવિધ સ્થાનોએ વિશાળ સ્તરે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવાની હતી. પરંતુ હવે આ મોકડ્રીલ અચાનક સ્થગિત કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, ગુજરાત ઉપરાંત પંજાબ અને રાજસ્થાનમાં પણ આવતીકાલે યોજાવા જતી ડ્રીલ રદ કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ તો મોકડ્રીલ સ્થગિત થવાનું મુખ્ય કારણ વહીવટી ચકાસણી તથા આંતરિક સંકલનના મુદ્દાઓને ગણવામાં આવી રહ્યું છે. સરકાર તરફથી આગામી દિવસોમાં નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.
આ મહત્ત્વપૂર્ણ મોકડ્રીલમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ગુજરાત જેવા પાંચ સરહદી રાજ્યોનો સમાવેશ થવાનો હતો. ખાસ કરીને ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી વિસ્તારોમાં સરકારી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે તાલમેલ કેવો છે, તેની કસોટી કરવાનું આયોજન હતું. આ પૂર્વ તૈયારીના ભાગરૂૂપે રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સરહદી જિલ્લાઓના કલેક્ટરો સાથે બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિ, ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે તેમજ ડીજી સિવિલ ડિફેન્સ મનોજ અગ્રવાલે ઉપસ્થિતિ નોંધાવી હતી.
હવે દરેકને નવી તારીખોની રાહ છે - જેનાથી ફરીથી સરહદી સુરક્ષા માટેની તૈયારી થઈ શકે. તત્કાલ સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમન્વય અને કામગીરી કેટલાં હદે અસરકારક છે, તે જાણવા માટે આવાં ડ્રિલ્સ અત્યંત અગત્યની ગણાય છે.