દ્વારકાધીશ મંદિર પરિસર બહાર રેલીંગ ઊભી કરવાનો નિર્ણય અંતે મુલત્વી
દ્વારકાધીશ મંદિરના છપ્પન સીડીથી કીર્તિ સ્તંભ સુધી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રીકોને રેલીંગમાંથી પ્રવેશ આપી છપ્પન સીડી - સ્વર્ગ દ્વારેથી પસાર થઈને મંદિર પ્રવેશના દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણએ બોલાવેલી મીટીંગ બાદ આ નિર્ણય મુલત્વી રાખવાનું બપોરે નકકી થયું હતું.
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, વહીવટદાર હિમાંશુ ચૌહાણ અને ન્યુ વેપારી એસોસીએશનના પ્રમુખ નિલેશ બથીયાએ આજે સ્થળ ઉપરની મુલાકાત લીધી હતી જે સ્થળ વિઝિટ દરમ્યાન પડનારી મુશ્કેલી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રાંત અધિકારી અમોલ આવટેના અધ્યક્ષ સ્થાને દ્વારકા પ્રાંત કચેરીએ મળેલ મીટીંગમાં વિસ્તૃત ચર્ચાના અંતે આ નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો હતો.
વેપારી મંડળના પ્રમુખ અને તજજ્ઞોના મતે આ રેલીંગ ઊભી કરવામાં આવે તો મંદિર આસપાસની હોટલો, રહેણાંકના મકાનો, વેપારીઓ સહિતનાઓને ખૂબ જ અસર પહોંચે તેવી પરિસ્થિતિ ઊભી થવાની ભીતિ હતી. ખાસ કરીને આ વિસ્તારમાં કોઈ મોટો અકસ્માત થાય તો એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ પણ રેલીંગ ઊભી કરવાથી ઘટનાસ્થળે પહોંચી ન શકે તેમજ વેપારીઓના ધંધા રોજગારને પણ મોટું નુકસાન થાય તેમ હોય અને ખાસ કરીને દર્શનાર્થીઓને લાંબા અંતર સુધી ચાલીને મંદિરે પહોંચવું અને છપ્પન સીડીના પગથિયા ચઢી ત્યાર બાદ જ મંદિર પ્રવેશ અને ઠાકોરજીના દર્શન થાય તેમ હોવાથી આ પ્રશ્ન ખૂબ જ હાલાકીભર્યો બની રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી.
આમ, આ રેલીંગની યોજના ખૂબ જ અગવડતાપૂર્ણ બની રહે તેમ જણાઈ રહ્યું હતું. ઉપરોકત પ્રશ્ને દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી સુભાષભાઈ ભાયાણી અને દ્વારકા નગરપાલીકાના ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેન વિજયભાઈ બુજડ તથા વેપારી વર્ગના યતીન ભાયાણી, મીતલભાઈ વિઠલાણી વિગેરેએ પણ ધારાસભ્ય પબુભા માણેક પાસે રજૂઆત કરી હતી.
આ અંગે લેવાયેલા નિર્ણય મુજબ હાલમાં નાતાલના મીની વેકેશન આવી રહ્યું છે. ત્યારે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં યાત્રાધામ દ્વારકામાં વધુને વધુ ટ્રાફીક થાય તેવી સંભાવના જોતા યાત્રિકોની સગવડતા માટે જરૂૂરીયાત અનુસાર કીર્તિ સ્તંભથી છપ્પન સીડી સુધી હંગામી ધોરણે રેલીંગની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ જ રીતે વાર-તહેવારે યાત્રિકોની ભીડની સંભાવના અનુસાર હંગામી રેલીંગ ઉભી કરવાનું ચર્ચાને અંતે નકકી કરાયું છે.