વિરાણી હાઇસ્કૂલની જમીનના વિવાદમાં ફેંસલો કે મુદત: આવતીકાલે સુનાવણી
શહેરની વિરાણી હાઈસ્કૂલની જમીનના શરત ભંગના મામલે આવતીકાલે બપોરના સીટી પ્રાંત-1 અધિકારી ચાંદની પરમાર દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1951માં જિલ્લા કલેકટર દ્વારા રાજકોટના રેવન્યુ સર્વે નં.427ની 49720 ચો.વાર જમીન વિરાણી હાઈસ્કૂલને ફાળવી હતી. જેમાં શરત મૂકવામાં આવી હતી કે આ જમીનનો કોઈપણ ભાગ ભાડે આપી શકાશે નહીં, વહેંચી શકાશે નહીં કે કોઈ નફો કરી શકાશે નહીં. આ ઉપરાંત અદલા-બદલાના દસ્તાવેજ કે અદલા બદલામાં વેચાણ કે બીજી રીતે આપી શકાય નહીં તેવા પ્રકારની મર્યાદા સાથે આ જમીન દુર્લભજી શામજી વિરાણીને ખેતી સિવાયના કામ માટે આપી હતી.
આ દરમિયાન કોર્પોરેશન દ્વારા ટાગોર રોડ પહોળો કરવા માટે શામજી વિરાણી હાઈસ્કૂલના મેદાનની કપાત થતી જમીન સામે ટ્રસ્ટ દ્વારા રોકડ વળતરની માંગણી થઈ હતી. તે દરમિયાન કુલ કપાત જમીન 743 ચો.વારમાંથી સરકારી 111.19 ચો.વાર. જગ્યા અને ખાનગી 632.66 ચો.વાર જગ્યા થતી હતી.બાકીની જમીન સીટી સર્વેના કોઈપણ જાતના હુકમ વગર ફેરફાર કરી નાખવામાં આવ્યો હતો. તેની નોંધ નં.5990 તા.9-4-14ના રોજ રિવ્યુ લઈ રદ કરવા અને મૂળ રેકોર્ડ કાર્ડ 2650 ચાલુ રાખવા માટે સીટી સર્વે દ્વારા 2020માં દરખાસ્ત કરી હતી. વર્ષ 2019માં શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ દ્વારા 5000 ચો.મી. જગ્યા વેચાણ કરવા ચેરીટી કમિશ્ર્નરમાં મંજુરી માંગી હતી. પરંતુ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કરી આ અંગે કલેકટરને ફરીયાદ કરતા આખો કેસ હાઈકોર્ટમાં ગયો હતો.જેમાં હાઈકોર્ટે ફેર સુનાવણી કરી યોગ્ય નિર્ણય લેવા ફરમાન કર્યુ હતું.
આ દરમિયાન કલેકટર તંત્ર દ્વારા એવું જણાવેલ કે કલેકટરની લેખિત પરવાનગી મેળવ્યા વગર આ જમીન વિરાણી હાઈસ્કૂલના ઉપયોગ સિવાય બીજા કામ માટે ઉપયોગ કરવા મનાઈ ફરમાવવામાં આવે છે.આ હુકમ સામે નારાજ થયેલા ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં દલીલ કરતા હાઈકોર્ટે ટ્રસ્ટીઓને આ પ્રકરણમાં ફેર સાંભળવા માટે હુકમ કર્યો હતો. જેમાં પ્રાંત-1 અધિકારી ચાંદની પરમાર દ્વારા આવતીકાલે બપોરે સુનાવણી રાખવામાં આવી છે. અત્યારે જોવાનો રહ્યું છે કે આ પ્રકરણમાં વધુ એક મુદત પડશે કે પછી આવતીકાલે કોઈ નિર્ણય આવશે તેમના પર સૌની નજર છે.