ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ આંક 14, તપાસ માટે સમિતિની રચના
હજુ છ લોકો લાપતા, ફલડ લાઇટના અજવાળે રાતભર સર્ચ ઓપરેશન
છ સભ્યોની તપાસ સમિતિને 30 દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ આપવા આદેશ
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને જોડતા હાઇવે પર આણંદ નજીક આવેલ ગંભીરા બ્રીજ દૂર્ઘટનામા મૃત્યુ આંક વધીને 14 થયો છે અને હજુ છ લોકો લાપતા હોવાનુ જાહેર થયુ છે.
ફલડ લાઇટનાં અજવાળે ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને તરવૈયાઓની રાતભર ટીમે કરેલા સર્ચ ઓપરેશન દરમિયાન પાણીમા ડૂબેલા ટ્રકને બહાર કાઢવામા આવતા તેમાથી ત્રણ લાશો મળી આવી હતી. આ ઉપરાંત અન્ય એક લાશ મળી આવતા કુલ મૃત્યુ આંક 14 થયો છે જયારે હજુ છ લોકો લાપતા હોવાનુ જાહેર કરાયુ છે.
બીજી તરફ આ બ્રિજ દુર્ઘટનામા પણ હવે તપાસ માટે સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી બ્રિજ તૂટી પડવાનાં કારણો, ક્ષતિ અને બેદરકારી અંગે તપાસ કરશે.
પ્રાપ્ત મહિતી અનુસાર ગંભીરા બ્રિજ તૂટી જવા મામલે તપાસ કરવા માટે સરકારે 6 સભ્યોની કમિટીની રચના કરી છે. આ કમિટી બ્રિજ તૂટી પડવાનાં કારણો, ક્ષતિ અને બેદરકારી અંગે તપાસ કરશે. ગંભીરા બ્રિજ અકસ્માતનો પ્રાથમિક અહેવાલ સરકાર સમક્ષ તાત્કાલિક રજૂ કરશે. બ્રિજ દુર્ઘટના અંગેનો 30 દિવસમાં સંપૂર્ણ અહેવાલ કમિટી સરકારને સોંપશે. અન્ય કોઈ બ્રિજ પડવાની દુર્ઘટના ભવિષ્યમાં ફરી ન બને તે માટે પણ કમિટી સૂચનો આપશે. માર્ગ મકાન વિભાગનાં અધિક સચિવ, મુખ્ય ઇજનેર સહિતનાં અધિકારીઓનો આ તપાસ કમિટીમાં સમાવેશ કરાયો છે.
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ 9 જુલાઈના વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા સહિતના વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા. ગતરોજ 13 વ્યક્તિના જ્યારે આજે (10 જુલાઈ) વહેલી સવારે NDRFના સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો, જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો છે. હજુપણ છ લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે અને નદીમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
વડોદરાના મુજપુર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યના આ દુર્ઘટનામાં મોત નીપજ્યાં છે. પિતા, દીકરો અને દીકરીની એક સાથે અંતિમયાત્રા નીકળતાં મુજપુર ગામ હિબકે ચડ્યું હતું. પિતા રમેશભાઈ, દીકરો નૈતિક અને દીકરી વૈદિકા ત્રણેય બગદાણા બાધા પુરી કરવા જતાં હતાં અને રસ્તામાં જ કાળને ભેંટી ગયા હતાં.
રૂપિયા 212 કરોડના નવા પૂલને મંજૂરી અપાયાનો મંત્રીનો દાવો
રાજ્ય સરકારે તૂટી પડેલા પુલની જગ્યાએ નવો પુલ બનાવવાની યોજના બનાવી હતી, જેના માટે તેણે 212 કરોડ રૂૂપિયા મંજૂર કર્યા હતા એવો દાવો રાજ્યના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે કર્યો હતો. પટેલે જણાવ્યું હતું કે મંજૂર કરાયેલા પ્રોજેક્ટ માટે અંતિમ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. પરંતુ નવો પ્રોજેક્ટ અમલમાં આવે તે પહેલાં જ હાલનો પુલ તૂટી પડ્યો હતો, તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. મંત્રીએ દાવો કર્યો હતો કે પુલનું નિયમિત જાળવણી અને સમારકામ કરવામાં આવી રહ્યું છે.