ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, સતત સર્ચ ઓપરેશન
18 મૃતદેહો બહાર કઢાયા, 1 ઘાયલનું હોસ્પિટલમાં મોત, 2 મૃતદેહો હજુ કાટમાળ નીચે ફસાયેલા
સલ્ફયુરિક એસિડ ભરેલા ટેન્કરના કારણે સર્ચ ઓપરેશનમાં અવરોધ, ત્રીજા દિવસે મંત્રી રૂષિકેશ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે અને હજુ પણ અમુક લોકો લાપતા હોવાની આશંકા છે. ગુરુવારે વધુ ચાર મૃતદેહ મહીસાગર નદીમાંથી મળ્યા હતા. એક મૃતદેહ બ્રિજના પિલર, બીજો મૃતદેહ ટ્રક નીચેથી મળી આવ્યો હતો. સાંજે બામણ ગામના યોગેશ પટેલનો મૃતદેહ પણ મળ્યો હતો. આ સહિત આજે સવાર સુધીમાં કુલ 18 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતાં જ્યારે ઘવાયેલા એક વ્યક્તિનું વડોદરાની હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે અને શોધખોળ કરી રહેલી એનડીઆરએફની ટુકડીએ પાણીની અંદર બ્રીજના તોતીંગ મલબા નીચે બે મૃતદેહો ફસાયેલા હોવાનું જાહેર કર્યું છે. આમ આજે બપોર સુધીનો કુલ મૃત્યુઆંક 21 થઈ ગયો છે.
આજે સતત ત્રીજા દિવસે પણ પુલ નીચે નદીના પાણીમાં ફાયરબ્રિગેડ તથા એનડીઆરએફની ટુકડીઓ દ્વારા સર્ચ ચાલી રહ્યું છે ત્યારે બ્રીજનો નદીમાં ધસી પડેલો કાટમાળ ખસેડ્યા બાદ વધુ મૃતદેહો મળવાની પણ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો ત્રીજો દિવસ છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ત્યારબાદ વડોદરાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ લોકોને પણ મળ્યા હતાં. ત્રણ દિવસ બાદ ઘટના સ્થળની મુલાકાત લેવા અંગેના પ્રશ્ર્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું હોવાથી વીવીઆઈપી મુલાકાતે આવે તો કામગીરી ડીર્સ્ટબ થતી હોય છે તેથી કોઈપણ પ્રધાનો અને ધારાસભ્યોને સ્થળ ઉપર જઈ કામગીરી ડીર્સ્ટબ ન કરવા સુચના અપાઈ હતી.
રેસ્ક્યૂની કામગીરી હજી પણ ચાલી રહી છે. હજી પણ અનેક વાહનો નદીની માટીમાં ખૂંપાયેલા છે. પંરતું રેસ્ક્યૂ ટીમને અનેક અવરોધ આવી રહ્યા છે. જેમાં સૌથી મોટું જોખમ નદીમા ફેલાયેલું કેમિકલ છે. નદીમાં 98% ની સાંદ્રતાવાળા સલ્ફ્યુરિક એસિડ ટેન્કનું જોખમ વધારે છે. સોડા એસ ફેલાવવાને કારણે સખત બળતરા થવાની તકલીફ રેસ્ક્યૂ ટીમને થઈ રહી છે. સર્ચ ઓપરેશન ટીમને આંખોમાં બળતરા તેમ જ ખંજવાળ થવા લાગી છે.
દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યુ કામગીરીને લઈ પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. હજુ બે લોકોનું સર્ચ ઓપરેશન નદીમાં ચાલી રહ્યું છે. તેમજ અનેક વાહનો હજી પણ નદીમાં છે. ત્યારે રેસ્ક્યૂ ટીમને જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ માહિતી આપી હતી કે ગુરુવારે રાત્રે વધુ એક મૃતદેહ મળવાથી આ અકસ્માતમાં મૃત્યુઆંક 18 થઈ ગયો છે. બે લોકો હજુ પણ ગુમ છે. નદીમાં પાણી વધવાને કારણે બચાવ કામગીરી બંધ કરવામાં આવી હતી જે શુક્રવારે સવારે ફરી શરૂૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF), રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને અન્ય એજન્સીઓની ઓછામાં ઓછી 10 ટીમો દ્વારા દિવસભર શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
4 જવાબદાર ઈજનેરો ઘરભેગા
પાદરા-આણંદને જોડતા ગંભીરા પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં પ્રાથમિક તપાસમાં જે અધિકારીઓ જવાબદાર લાગ્યા છે, એમને સીધા ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એ આ પુલ દુર્ઘટનાની બારીકાઈથી ને ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે મોટા અધિકારીઓને સૂચના આપી હતી. નિષ્ણાતોની એક ટીમને તો આ તૂટી ગયેલા મુજપુર-ગંભીરા પુલની પહેલાં ક્યારે મરામત થઈ હતી, ક્યારે એનું ઇન્સ્પેક્શન થયું હતું, ને એની ગુણવત્તા (ક્વોલિટી) કેવી હતી, એ બધી બાબતોનો રિપોર્ટ બનાવવાનું કામ સોંપ્યું હતું.
આ નિષ્ણાતોની ટીમે ઘટના સ્થળે રૂૂબરૂૂ જઈને બધી તપાસ કરી, ને એમના પ્રાથમિક અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જે અધિકારીઓ જવાબદાર લાગ્યા છે, એમના પર કડક પગલાં લેવાયા છે. મુખ્યમંત્રી એ એન. એમ. નાયકાવાલા (કાર્યપાલક ઇજનેર), યુ.સી.પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર), આર.ટી.પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર), ને જે.વી.શાહ (મદદનીશ ઇજનેર) ને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવાનો નિર્ણય કર્યો છે.