લાંબા ગામે અકસ્માતે કૂવામાં પટકાયેલા શ્રમિકનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે હાલ રહેતા અને મૂળ રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાના જેતરાણ તાલુકાના રહીશ રાધેશ્યામ જવાનરામ સોલંકી નામના 33 વર્ષના યુવાન ગઈકાલે ગુરુવારે લાંબા ગામે એક આસામીની વાડીમાં આવેલા કૂવા કાંઠે કામ કરી રહ્યા હતા. ત્યારે આ કુવાના કાંઠે પડેલા દંગડા (બેલા) પથ્થર પર બેસવા જતા તેમનો હાથ લપસી જવાના કારણે તેઓ દંગડા (પથ્થર) સાથે કુવામાં ખાબક્યા હતા. જેથી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ જરૂબુરામ ચીસરીલાલ સોલંકી (ઉ.વ. 50, રહે. મૂળ જેતરાણ) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
_________________________
ભાણવડ પંથકમાં ત્રણ જુગારીઓ ઝડપાયા
ભાણવડ તાબેના આંબરડી ગામેથી પોલીસે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમતા દિનેશ પુંજા સાદીયા, જેન્તી કાના સાદીયા અને ધર્મેન્દ્ર નારણ સાદીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.
_________________________
મીઠાપુરના ગોરીયાળી ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ઓખા મંડળના મીઠાપુર તાબેના ગોરીયાળી ગામે રહેતા કરમણભા હરદાસભા માણેક નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીમાં ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આ અંગે સ્થાનિક પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો તેમજ અન્ય ચીજવસ્તુઓ સહિત કુલ રૂપિયા 5800 નો મુદ્દામાલ કબજે કરી, પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. દરોડા દરમ્યાન આરોપી કરમણભા માણેક પોલીસને હાથ લાગ્યો ન હતો.