બાળકોના વજન અને ઉંચાઇ મુદ્દે ડે.કમિશનરનું ક્રોસ ચેકિંગ
આંગણવાડીમાં રૂબરૂ જઇ તપાસ કરી, નંદનવન આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની હાજરી અને ઓપીડી રજિસ્ટરની કરી તપાસ
મનપાની આંગણવાડીમાં બાળકોની હેલ્થ ચકાસણી દરમિયાન વજન, ઉંચાઇ સહિતની ડીટેઇલ તૈયાર કરાય છે. જેમાં લોલંલોલ થતી હોવાની ચર્ચા જાગતા આજે ડે.કમિશનર મનીષ ગુરવાનીએ આંગણવાડીની મુલાકાત લઇ બાળકોના ચેક લીસ્ટનુ ક્રોસ ચેકિંગ અને આરોગ્ય કેન્દ્રના સ્ટાફની હાજરી તેમજ ઓપીડી રજિસ્ટેશન ચેક કરતા ચકચાર મચી ગઇ છે.
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની(IAS )એ આજે તા.16-07-2025ના રોજ મમતા દિવસ અંતર્ગત રૈયા ગામ ખાતે આવેલ આઈ.સી.ડી.એસ. શાખાની આંગણવાડીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ નંદનવન આરોગ્ય કેન્દ્રની પણ નાયબ મ્યુનિસિપલ કમિશનરએ વિઝિટ કરી હતી. આ વિઝિટ દરમિયાન તેમણે આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના વજન અને ઊંચાઈનું ક્રોસ વેરિફિકેશન કર્યું હતું તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે OPD રજીસ્ટ્રેશન, નેશનલ હેલ્થ મિશન, સ્વચ્છતા અને લેબોરેટરીની ચકાસણી કરી હતી.
મમતા દિવસ અંતર્ગત રૈયા ગામ ખાતેની આંગણવાડીની વિઝીટ દરમ્યાન અતી કુપોષિત બાળકોનો પોષણ ટ્રેકર મુજબ પ્રોગ્રેસ રિપોર્ટની તપાસણી કરી અને વાલીઓ સાથે પરામર્શ કર્યું હતું.
તેમજ મેડિકલ ઓફિસર અને છઇજઊં ટીમને સાથે રાખી માર્ગદર્શન આપ્યું હતું. બાળકોના વજન અને ઊંચાઈનું ક્રોસ વેરિફિકેશન કર્યું હતું.નંદનવન આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમ્યાન તમામ સ્ટાફની હાજરી તેમજ OPD રજિસ્ટરની તપાસણી કરી, નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંગે રીવ્યુ કર્યો અને આરોગ્ય કેન્દ્ર ખાતેની સ્વચ્છતા તેમજ લેબોરેટરી અને ફાર્મસીની તપાસ કરી. નાયબ કમિશનરની આ ફેરણી દરમિયાન તેમની સાથે આરોગ્ય અધિકારી, પ્રોગ્રામ ઓફિસર સહિતના અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતાં.