For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અગ્નિકાંડમાં તારીખ પે તારીખ: જાપતા સાથે આરોપીને હાજર નહીં રખાતા પાંચમી મુદત

05:44 PM Oct 09, 2024 IST | Bhumika
અગ્નિકાંડમાં તારીખ પે તારીખ  જાપતા સાથે આરોપીને હાજર નહીં રખાતા પાંચમી મુદત
Advertisement

વકીલ નહીં રોકો તો લીગલમાંથી ફાળવી ટ્રાયલ ચલાવવાની કોર્ટની ટકોર બાદ આરોપીઓને વધુ સમય મળ્યો: 23મીએ સુનાવણી

દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં પકડાયેલા 15 આરોપી સામેનો કેસ ચાર્જશીટ મુકાઇ જતા સેશન્સ કમિટ થયાની ત્રીજી મુદતમાં પણ 9 આરોપીઓએ વકીલો રોકવા સેશન્સ કોર્ટમાં મુદત માગવામાં આવતા અદાલત દ્વારા આગામી તા.8 સપ્ટેમ્બર સુધીમાં વકીલ નહી રોકવામાં આવે તો લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરી કેસની ટ્રાયલ આગળ ચલાવવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી. પરંતુ ચોથી મુદતે કોઈ કારણોસર પોલીસ જાપતા નહીં મળતા આરોપીઓને કોર્ટમાં રજૂ નહિ કરાતા વધુ એક મુદત પડી છે. હવે આગામી તા.23 ઓક્ટોમ્બરના રોજ કેસ મુદત પડી છે.

Advertisement

વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોવા છતાં તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગર સહિતના જવાબદાર અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ 3 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં પ્રથમ સુનાવણીમાં કુલ 15 પૈકીના કેટલાક આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવા બાબતે સમય માંગવામાં આવ્યો હતો.

જે અનુસંધાને અદાલત દ્વારા પક્ષકારોની સાથે ચર્ચા વિચારણા કરીને તા.10 મી સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરતા ફરી આરોપીઓએ વકીલ રોકવા મુદત માંગી હતી. જેને પગલે કોર્ટે તમામ આરોપીઓને વકીલ રોકવા ખાસ સૂચના આપી હતી. આગામી તા.24ના રોજ કેસની ટ્રાયલ ચલાવવા મુકરર કરી હતી. સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલવાની ત્રીજી મુદતે તમામ આરોપીઓને પોલીસ જાપતા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ મકવાણા, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર અને ગેમઝોન સંચાલક ધવલ ઠક્કરના વકીલ હાજર રહ્યા હતા. જ્યારે અન્ય 9 આરોપીએ હજુ પોતાના બચાવ પક્ષે વકીલ નહીં રોકતા સેશન્સ કોર્ટના ન્યાયાધીશ આગામી તા.8 ઓક્ટોમ્બર સુધીમાં તમે વકીલ નહીં રોકો તો લીગલ એઇડમાંથી વકીલ ફાળવી દેવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી હતી. પરંતુ ચોથી મુદતે કોઈ કારણોસર પોલીસ જાપતા સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ નહિ કરાતા વધુ એક મુદત પડી છે. આગામી તા.23 ઓક્ટોમ્બરના રોજ કેસની ટ્રાયલ ચલાવવા મુકરર કરી છે. જેથી આરોપીઓને વકીલ રોકવા માટેનો વધુ સમય મળ્યો છે.

આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement