ખતરો કે ખિલાડી: અજગરને CPR આપી જીવ બચાવતા જીવદયા પ્રેમી
દેડિયાપાડાના કોળીવાળા ગામે જીવદયા પ્રેમીએ બેભાન અવસ્થામાં પડેલા અજગરનો સીપીઆર આપી જીવ બચાવ્યો હતો. ખેડૂતોએ તેને મૃત સમજીને વન વિભાગને જાણ કરી હતી પણ બાદમાં જાણ થઈ હતી કે અજગર જીવત છે. જે પછી જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવામાં આવતા તેમણે તાત્કાલિક આવી અજગરને બચાવી લીધો હતો.
મળતી માહિતી અનુસાર અજગરને મૂઢ ઘા વાગ્યો હતો. જેથી તે મૂર્છિત અવસ્થામાં ખેતરમાં પડ્યો હતો. ખેડૂતોની નજર જતાં તેમણે સૂઝબૂઝ વાપરી જીવદયા પ્રેમીઓ અને વનવિભાગને બોલાવ્યું હતું. જેમાં અજગર બેભાન હોવાની ખબર પડતાં જ તેને ભાવિનભાઈ વસાવા દ્વારા એક નળી દ્વારા સીપીઆર આપવામાં આવ્યો હતો. અંદાજે 5 થી 7 મિનિટની જહેમત બાદ અજગરના જીવમાં ફરી જીવ આવતા હાજર લોકો અને જીવદયા પ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાર બાદ વન વિભાગની ટીમ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી અજગરને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.