જૂનાગઢમાં દામોદાર કુંડને પ્રવેશબંધીમાંથી મુક્તિ, શ્રદ્ધાળુઓને ધાર્મિક વિધિની છૂટછાટ
જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 37 જળાશયો પર પ્રવેશબંધી ફરમાવતા દામોદર કુંડનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનો સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો. જેને લઈને કલેકટરે નવું જાહેરનામું બહારપાડીને દામોદર કુંડને છૂટછાટ આપવામાં આવી છે. વિરોધને પગલે તંત્રએ આજે સુધારેલું જાહેરનામું જાહેર કર્યું છે, જેમાં દામોદર કુંડને પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ અપાઇ છે. પોલીસ વિભાગ દ્વારા રજૂ થયેલ દરખાસ્તને માન્યતા આપી, તંત્રએ દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓને હાથ-પગ ધોવા તથા ઘાર્મિક વિધિઓ માટે પ્રવેશની છૂટછાટ આપી છે.
જાહેરનામામાં જણાવાયું છે કે, શ્રદ્ધાળુઓએ પોતાની સલામતી જાળવી ઘાર્મિક વિધિઓ કરવી પડશે. જો વધુ વરસાદ કે પાણીની આવકથી એલર્ટ જેવી સ્થિતિ થાય તો તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકવામાં આવશે.તંત્રના આ નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે.
દામોદર કુંડ તીર્થક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે તંત્રના આ આદેશને દુ:ખદ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, દામોદર કુંડ એ જળાશય નહીં, પરંતુ એક પવિત્ર તીર્થ છે, જ્યાં લાખોની સંખ્યામાં લોકો પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિઓ માટે આવે છે.
તેમણે તંત્રને વિનંતી કરી છે કે જો ભૂલથી દામોદર કુંડનો સમાવેશ જળાશયોની યાદીમાં થયો હોય તો તે ભૂલને તાત્કાલિક સુધારવામાં આવે. જો આ હુકમ પરત ખેંચવામાં નહીં આવે તો હિન્દુ ધર્મના લોકો અને તીર્થક્ષેત્રના બ્રાહ્મણો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.