ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેત પાકોનું નિકંદન: સરવે કરાવી વળતર ચૂકવવા માંગ
દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક અતિ ભારે વરસાદ વરસી ચૂક્યો છે. હાલ ઠેર ઠેર ભરાયેલા પાણી વચ્ચે વરસાદી બ્રેક રહી છે, ત્યારે અહીંના ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને એક લેખિત આવેદન પત્ર પાઠવી અને જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે વિવિધ પાકોમાં થયેલી નુકસાન અંગેનો સરવે કરાવી અને ખેડૂતોને વળતર ચૂકવવા માટેની રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયામાં ભારતીય કિસાન સંઘ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં સતત ચાર દિવસ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસી ગયેલા ભારે વરસાદના કારણે વિવિધ પ્રકારના ખરીફ તેમજ બાગાયતી પાકો અને શાકભાજીને વ્યાપક નુકસાની થવા પામી છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા મહદ અંશે વિવિધ પાક નિષ્ફળ થવાની ભીતિ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને ખેડૂતોને થયેલી નુકસાનીનો સરકાર દ્વારા તાકીદે સરવે કરાવવામાં આવે તેમજ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરી અને સહાય ચૂકવવામાં આવે તે માટેની માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત જિલ્લામાં અનેક વિસ્તારોમાં હજુ સુધી વીજ પુરવઠો પૂર્વવત થયો નથી. જેથી આ અંગેની ટીમ ફાળવી અને ગ્રામ્ય વિસ્તારમાં ઝડપથી વીજ પુરવઠો ચાલુ કરવા માટે પણ વધુમાં રજૂઆત કરાઈ છે.