ચકચારી ઉનાકાંડની આઠમી વર્ષીએ ગીરગઢડામાં દલિતોનું સંઘર્ષ સંમેલન યોજાયું
ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચાવનારા ઉનાકાંડને આઠ વર્ષ થતાં દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં ગીરગઢડા ખાતે દલિત સમાજનું સંઘર્ષ સંમેલન યોજાયું હતું. જેમાં તેમણે દલિતો ઉપર અત્યાચાર મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. આ મુદ્દે આગામી દિવસોમાં ગાંધીનગમાં કૂચ કરવા સહિતના કાર્યક્રમોની ચર્ચા થઈ હતી. સંમેલનમાં મોટી સંખ્યામાં આગેવાનો અને દલિત સમાજ ઉમટ્યો હતો.
તેજાબી ભાષામાં દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિતો ઉપર અત્યાચાર વધી રહ્યા છે તેમ જણાવ્યું હતું. આઠ-આઠ વર્ષે પણ ઉનાકાંડના દલિતોને ન્યાય મળ્યો નથી. આ ઉપરાંત ઉના, જુનાગઢ, થાનગઢ જેવા અનેક શહેરોમાં દલિતો ઉપર અત્યાચારમાં ઉમેરો થયો છે. ત્યારે તેમણે આગામી દિવસોમાં દલિતોને એક થવા આહ્વાન કર્યું છે. અન્યથા દલિત સમાજને વધુ સહન કરવું પડશે.
વાત કરીએ તો, આઠ વર્ષ પૂર્વે ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા મોટા સમઢિયાળા ગામમાં 11 જુલાઈ, 2016ના રોજ કેટલાંક દલિત યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો. પીડિત યુવાનોને હોસ્પિટલમાં ખસેડાયા બાદ મામલો વધુ ગંભીર બનતા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંઘી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા કુમારી માયાવતી પણ પીડિત પરિવારની મુલાકાતે આવ્યા હતા. આમ ઉનાકાંડ બાદ સમગ્ર દેશભરમાં દલિત સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.