વાવાઝોડુ શક્તિ સક્રિય, દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ
પોરબંદરથી 420 અને નલિયાથી 360 કિ.મી. દૂર, ભારે પવન સાથે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સક્રિય બનેલ, વાવાઝોડૂ શક્તિ છ કલાકમાં 10 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પશ્ર્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. હાલમા પોરબંદરથી 420 કિ.મી. પશ્ર્ચિમ, નલીયાથી 360 કિ.મી.દૂર હોવાનું અને ગંભીર ચક્રવતી તોફાનમાં પરિવર્તિત થઇ રહ્યાનું જાણવા મળે છે. જો કે, આ વાવાઝોડૂ પશ્ર્ચિમ ઇરાન-ઓમાન તરફ ફંટાઇ રહયું હોવાની સૌરાષ્ટ્ર ઉપર ખાસ જોખમ નથી.
ચોમાસાની વિદાય પછી પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગએ ચક્રવાત શક્તિની ચેતવણી જારી કરી છે. IMD અનુસાર, ચક્રવાત શક્તિની અસર 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને ગુજરાતમાં પણ જોવા મળી શકે છે.
અરબ સાગરમાં શક્તિ નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને આગામી 24 કલાકમાં તે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરે તેવી સંભાવના છે. આ વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે.વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠા વિસ્તાર પર થઈ શકે તેમ હોવાથી ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર વિભાગની ટીમ સતત પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહી છે. સલામતીના ભાગરૂૂપે માછીમારોને ખાસ ચેતવણી આપવામાં આવી છે. તેમને 6 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા અને 4 થી 6 ઓક્ટોબર દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
હાલમાં વાવાઝોડાની આસપાસ પવનની ગતિ 64-75 કિમી પ્રતિ કલાકની છે, જેના ઝાપટાં 85 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે. 4 અને 5 ઓક્ટોબર દરમિયાન પવનની ગતિ વધીને 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના ઝાપટાં 125 કિમી પ્રતિ કલાક સુધી જવાની સંભાવના છે. 6 અને 7 ઓક્ટોબરના રોજ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને, ખાસ કરીને દરિયા કિનારાની નજીક રહેતા લોકોને, સાવચેતી રાખવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
તો બીજી તરફ IMD એ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે મુંબઈ, રાયગઢ, રત્નાગિરી, પાલઘર અને સિંધુદુર્ગ માટે ચેતવણી જારી કરી છે. ચક્રવાત શક્તિ ને કારણે, 4-5 ઓક્ટોબર દરમિયાન આ જિલ્લાઓમાં 45-65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.
આઇએમડી અનુસાર, પવનની ગતિ વધુ વધી શકે છે. આનાથી દરિયાના મોજા તોફાની બનશે. માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે પૂર્વીય વિદર્ભ અને મરાઠવાડા પ્રદેશો સહિત મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.