સૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચ
લોધિકા 0॥, જેતપુર, વિસાવદર, ટંકારા, બોટાદમાં 0॥થી ઝાપટારૂપી વરસાદ
ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં જૂન માસમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી માવઠારૂપી વરસાદે સૌરાષ્ટ્રમાં કાળો કેર વર્તાવ્યો છે. જેમાં ગઈકાલે સમીસાંજે રાજકોટમાં આંધાધુંધ 1॥ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં પ્રીમોન્સુન કામગીરીની તંત્રની પોલ ખુલી ગઈ હતી. અને ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદો ઉઠી હતી. રાજકોટ શહેરની સાથો સાથ જિલ્લાના લોધીકા, જેતપુરમાં પોણો ઈંચ તેમજ સૌરાષ્ટ્રના વિસાવદર, ટંકારા, બોટાદ સહિતના વિસ્તારમાં 0॥થી લઈને ઝાપટા રૂપીવરસાદ વરસતા ખેડુતોને ભારે નુક્શાનીનો સામનો કરવો પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં ગઈકાલે બપોર બાદ વરસેલા વરસાદના આંકડા મુજબ રાજકોટ શહેરમાં 1॥ ઈંચ, આહવા, લીમખેડા, લોધીકા, જેતપુરમાં 0॥। ઈંચ તેમજ વિસાવદર, દેવગઢ બારિયા, ટંકારા, બોટાદ, દાહોદ અને શિંગવાડામાં 0॥ ઈંચથી લઈને ભારે ઝાપટા વરસ્યા હતાં.
સૌરાષ્ટ્રમાં ચોમાસુ આવવાને એકાદ મહિનાની વાર છે ત્યારે કમોસમી ચોમાસુ અવિરત વરસી રહ્યું છે. રાજકોટ ઉપરાંત સાંજ સુધીમાં રાજકોટ જિલ્લાના જેતપુરમાં પોણો ઈંચ, લોધિકા તેમજ જુનાગઢના વિસાવદરમાં આશરે અર્ધો ઈંચ સુધી પાણી વરસી ગયું હતું. વરસાદની સાથે તીવ્ર પવન ફૂંકાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે રાજકોટમાં આજે બપોરે અઢી વાગ્યે ભેજનું પ્રમાણ 33 ટકા અને સાંજે 5-30 વાગ્યે માત્ર 29 ટકા નોંધાયું છે, એટલે કે સુકુ અને ગરમ હવામાન હતું. છતાં ધોધમાર વરસાદ વરસ્યો હત. ફાયરબ્રિગેડ અનુસાર સેન્ટ્રલ ઝોન ઢેબરરોડ પર 27મિ.મિ., વેસ્ટઝોનમાં નિર્મલા રોડ પર 39 મિ.મિ. અને પૂર્વ ઝોનમાં 26 મિ.મિ.વરસાદ નોંધાયો છે. રાજકોટમાં કેટલાક માર્ગો તો બે કાંઠે વહેવા લાગ્યા હતા. વરસાદી પાણીના નિકાલના કામો માટે અને રસ્તાકામો માટે કરોડો રૂૂા.નું આંધણ મહાપાલિકા દ્વારા કરાય છે પરંતુ તેમ છતાં રસ્તા લેવલ વગરના રહે છે અને સામાન્ય ન વરસાદે પાણી એટલું ભરાય છે કે રાહદારીઓ તેમજ વાહનચાલકોએ - પસાર થવું પણ મૂશ્કેલ બની જાય છે.
રાજકોટ શહેરમાં એક ઈંચથી વધુ વરસાદ વરસેલા પ્રથમ વરસાદે જ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી. જેના લીધે તંત્ર દ્વારા હજુ પ્રિમોન્સુન કામગીરી શરૂ કરાય તે પહેલા જ વરસાદી પાણી ભરાવાના સ્થળોની જાહેરાત કરી દીધી છે. આથી આગામી દિવસોમાં મહાપાલિકા દ્વારા જે વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો ઉઠી છે ત્યાં ક્યા પ્રકારની કામગીરી કરાશે. તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે.