For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ બાદ વાવાઝોડાની આફત

04:23 PM Aug 29, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ બાદ વાવાઝોડાની આફત
Advertisement

કચ્છ પાસે ડીપ ડિપ્રેશનથી 75 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ બાદ હવે હવામાન વિભાગે નવી આગાહી કરતાં કહ્યું છે કે ગુજરાત પર ધીરેધીરે આગળ વધી રહેલી સિસ્ટમ હવે વાવાઝોડું બની જશે. આગાહી પ્રમાણે જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ તો ગુજરાત પાસેના દરિયામાં આ વર્ષનું આ પ્રથમ વાવાઝોડું હશે. મધ્યપ્રદેશમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યું છે અને આગામી 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે ત્યારે ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતને ઘમરોળનાર ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તીત થઇ રહ્યું છે. આ વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે તબાહી મચાવશે તે નક્કી છે.

Advertisement

ગત 25 ઓગષ્ટે મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાયું હતું અને ત્યારબાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. ડીપ ડિપ્રેશન ધીમે ધીમે સરકીને ડીસા અને સાબરકાંઠા થઇને ગુજરાતમાં પ્રવેશ્યું હતું. આ ડીપ્રેશનના કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લા 4 દિવસથી અનરાધાર વરસાદ વરસવાનો શરુ થયો હતો.

બંગાળની ખાડીમાંથી લો-પ્રેશર એરિયા બનીને આગળ વધેલી આ સિસ્ટમ મધ્ય પ્રદેશ પર આવીને તીવ્ર બની હતી અને ડિપ્રેશનમાં ફેરવાઈ હતી. જે બાદ રાજસ્થાન પર પહોંચીને તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ હતી. આ સિસ્ટમ ગુજરાત પર ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને તેને અરબી સમુદ્રમાંથી વિપુલ પ્રમાણમાં ભેજ મળી રહ્યો છે. જેના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનો સામનો કરવો પડ્યો છે. હાલ આ સિસ્ટમ કચ્છના વિસ્તારો પર છે અને ત્યાંથી આગળ વધીને તે પાકિસ્તાન, કચ્છ અને સૌરાષ્ટ્ર પાસેના દરિયામાં જશે અને દરિયામાં ગયા બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 28 ઑગસ્ટની રાત્રે આ સિસ્ટમ ખૂબ જ ધીમે આગળ વધી છે અને 6 કલાકમાં માત્ર 3 કિમી જેટલું આગળ વધી છે. હવે આ સિસ્ટમ 30 ઑગસ્ટના રોજ અરબી સમુદ્રમાં પહોંચશે અને ત્યારબાદ વાવાઝોડામાં પરિવર્તિત થશે.

આ સિસ્ટમ આગામી બે દિવસો સુધી અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને તે ગુજરાતના દરિયાકિનારાથી સતત દૂર જશે એટલે ગુજરાત પર ભયાનક વાવાઝોડાનો ખતરો નથી.

જોકે, આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી અને પોરબંદર જિલ્લામાં પવનની ગતિ વધવાની સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 29 અને 30 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ 55થી 65 કિમી પ્રતિકલાક અને વધીને 65 કિમી પ્રતિકલાક સુધી પહોંચે તેવી સંભાવના છે.

જ્યારે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો અને અરબી સમુદ્રના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધીને 75 કિમી પ્રતિકલાકની ઝડપ સુધી પહોંચે તેવી સંભાવના છે. એકાદ દિવસ બાદ ગુજરાતના દરિયાકાંઠાથી દૂર ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પવનની ગતિ 85 કિમી પ્રતિકલાકની ઝડપે પહોંચે તેવી સંભાવના છે.
આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે કોઈ વળાંક લે તેવી સંભાવના નથી જેના કારણે ગુજરાતને તેનો વધારે ખતરો રહેશે નહીં. પરંતુ પવનની ગતિ અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement