ઓનલાઈન ટ્રેડિંગ, પર્સનલ લોન, વીજબિલ, IPO ભરવાના નામે 5 લોકો સાથે સાયબર ફ્રોડ
શહેરમાં ઓનલાઈન છેતરપીંડીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે ઓનલાઈન ટ્રેડીંગ, પર્સનલ લોન, વિજ બીલ ભરવાનું અને આઈપીઓ ભરવાના નામે પાંચ લોકો સાથે છેતરપીંડી થઈ હતી. આ અંગે પોલીસે જરૂરી તપાસ કરી અરજદારોએ ગુમાવેલા રૂા.85 હજારની રોકડ પરત અપાવી સરાહનીય કામગીરી કરી હતી.
જાણવા મળતી વિગત મુજબ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડીશનલ પોલીસ કમિશ્નર વિધી ચૌધરી, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈના માર્ગદર્શન હેઠળ સાયબર છેતરપીંડીથી અરજદારોએ ગુમાવેલી રકમ પરત અપાવવાની સુચના અન્વયે એ-ડીલીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટના માર્ગદર્શન હેઠળ સાયબર ટીમના ઈન્ચાર્જ એએસઆઈ એમ.વી.લુવા સહિતના સ્ટાફે કામગીરી કરી અરજદાર હિરાભાઈ કાળુભાઈ બોરીયાને પર્સનલ લોનની જરૂરીયાત હોય જેથી તેમણે પર્સનલ લોન માટે જરૂરી ડોકયુમેન્ટ સામાવાળાના ફોન પર ઓનલાઈન આપેલા હોય પરંતુ તેમની સાથે છેતરપીંડી થઈ હતી. જે અંગે પોલીસે રૂા.19,876 પરત અપાવ્યા હતાં.
બીજા બનાવમાં અરજદાર કાજલ હર્ષદભાઈ હેલીયાને ઈન્સ્ટાગ્રામમાં ઓનલાઈ ટ્રેડીંગ કરી પૈસા કમાવવાની લાલચ આપતાં તેમણે તેમની સાથે છેતરપીંડી થઈ હતી. જેમાં પોલીસે રૂા.20 હજારની રકમ પરત અપાવી હતી. ત્રીજા બનાવમાં અરજદાર મુકેશભાઈ દિનેશભાઈ પરમાર સાથે આઈપીઓ ભરવાના નામે ઓનલાઈન છેતરપીંડી થઈ હોય જેમાં પોલીસે રૂા.14,645ની રકમ પરત અપાવી હતી. ચોથા બનાવમાં અરજદાર ઈરફાન અબ્દુલભાઈ દલે લગ્ન પ્રસંગની ઈવેન્ટ માટે હલ્દી ટબ અને કોલ્ડ પાયરો સ્ટેન્ડ સામાવાળા પાસેથી મંગાવ્યા હતાં પરંતુ તેણે માલ ન મોકલી છેતરપીંડી કરી હતી જેની રૂા.10,500ની રકમ પોલીસે પરત અપાવી હતી.
આ ઉપરાંત અરજદાર યતીન મુકેશચંદ્ર જોશીને પીજીવીસીએલના નામે ફોન કરી તમારું બિલ ભરવાનું બાકી છે તેમ કહી લીંક મોકલતાં અરજદારે તેમાં ક્લિક કરતાં રૂા.20,500 ઉપડી ગયા હતાં. જે અંગે પોલીસમાં જાણ કરતાં પોલીસે કાર્યવાહી કરી તેમણે ગુમાવેલી રૂા.20,500ની રકમ પરત અપાવી હતી. આમ એ-ડીવીઝન પોલીસે કુલ પાંચ અરજદારોને સાયબર ફ્રોડથી ગુમાવેલી રૂા.85,531ની રકમ પરત અપાવી હતી.