For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અતિવૃષ્ટિમાં પાક નષ્ટ, વળતર માટે વિચારણાના નાટક!

12:32 PM Nov 14, 2024 IST | Bhumika
અતિવૃષ્ટિમાં પાક નષ્ટ  વળતર માટે વિચારણાના નાટક
Advertisement

સરવે પણ પૂરો થઇ ગયો છતાં કૃષિમંત્રી કહે છે કે, નુકસાનીનું વળતર ચૂકવવા વિકલ્પોની વિચારણા થઇ રહી છે!

સરકારના વલણથી ખેડૂતોમાં નિરાશા, વળતર મળશે કે નહીં? તે અંગે પણ રાજરમત?

Advertisement

જામનગર જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ધોધમાર વરસાદના કારણે પાક નષ્ટ થઈ ગયા હતા અને ખેડૂતોના આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ હતી. આ સંકટમાં સરકાર તરફથી કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે.

આ મામલે ગુજરાત મિરર દ્વારા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મંત્રીને પૂછવામાં આવ્યું હતું કે, અતિવૃષ્ટિથી પાક નષ્ટ થયાના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ માટે સરકાર શું કરી રહી છે.

આ પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર આ મામલે ગંભીર છે અને ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ માટે વિવિધ વિકલ્પો પર વિચારણા કરી રહી છે. જો કે, તેમણે સ્પષ્ટપણે જણાવ્યું ન હતું કે ખેડૂતોને વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે નહીં.

ખેડૂત આગેવાનોનું કહેવું છે કે, સરકારના આ જવાબથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે. ખેડૂતોને એવી આશા હતી કે, સરકાર તેમની મુશ્કેલીઓને સમજીને ઝડપથી નુકસાન વળતર ચૂકવવાનો નિર્ણય લેશે. પરંતુ સરકારનો અનિશ્ચિત જવાબથી ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે. ખેડૂત આગેવાનોએ સરકારને અપીલ કરી છે કે, તેઓ ખેડૂતોની મુશ્કેલીઓને ગંભીરતાથી લે અને શક્ય તેટલી જલ્દી નુકસાન વળતર ચૂકવવાની જાહેરાત કરે.

વીમા કંપનીએ પણ ઊઠાં જ ભણાવ્યા
જામનગર જિલ્લાના ખેડૂતો આજકાલ એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વાવેતર સમયે બેંકો અને મંડળો પાસેથી લીધેલા પાક ધિરાણ પર બાકી રકમ ચૂકવવા ઉપરાંત ખેડૂતોએ જમીનના ક્ષેત્રફળ મુજબ અલગ અલગ કંપનીઓ પાસેથી પાક વીમો પણ લેવો પડે છે. જે બેંકો તરફથી ખેડૂતોના ખાતામાં કપાત કરવામાં આવે છે જો કે, જ્યારે પાક નિષ્ફળ જાય છે ત્યારે વીમા કંપનીઓ વીમાની રકમ ચૂકવતી નથી, અને સર્વેના ફક્ત ખોટા નાટકો શરૂૂ કરી દે છે, નુકસાનીનું વળતર આપવામાં આવતું નથી. આને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાલાવડ તાલુકાના ભાડુકિયા ગામના રહેવાસી છે, તેઓ જણાવે છે કે, અમે દર વર્ષે પાક વીમો લઈએ છીએ અને વીમાની રકમ પણ ચૂકવીએ છીએ. પરંતુ જ્યારે પાક નિષ્ફળ જાય છે ત્યારે વીમા કંપનીઓ નુકસાનીનું વળતર આપતી નથી. અને સર્વે ના ફોટા નાટકો કરે છે, આનાથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે.

અમે આ સમસ્યાનો ઉકેલ ઈચ્છીએ છીએ. ખેડૂતોનું કહેવું છે કે, સરકારે જાહેર કરેલી નીતિઓ મુજબ પાક નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને વળતર આપવાનું હોય છે. પરંતુ હકીકતમાં આવું થતું નથી. ખેડૂતોને લાગે છે કે, સરકાર અને વીમા કંપનીઓ મળીને ખેડૂતોને છેતરવાનું કામ કરી રહી છે. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાના ખેડૂત સંગઠનોએ સરકારને રજૂઆત કરી છે. ખેડૂત સંગઠનોના આગેવાનોનું કહેવું છે કે, સરકારે આ મામલે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ખેડૂતોને ન્યાય અપાવવો જોઈએ. જો સરકાર આ મામલે કોઈ નિર્ણય લેતી નહીં હોય તો ખેડૂતો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement