રેલનગરના યુવાનના આપઘાત પ્રકરણમાં સસરા સામે નોંધાતો ગુનો
પત્ની પિયરે જવા માંગતી ન હોય છતાં સસરો ફોન કરી કહેતો કે, તમે મારી દીકરીને દબાવો છો, તમને બધાને ખોટા કેસમાં ફિટ કરાવી દઇશ
સસરો પુત્રી અને જમાઇ વચ્ચે ઝઘડા કરાવી છુટાછેડા લેવડાવવા માગતો હતો: પૈસા પડાવવા સસરાએ કારસો રચ્યો હોવાનો સ્યૂઆઇટ નોટમાં ઉલ્લેખ
શહેરના રેલનગર પાસે શિવાજી પાર્કમાં એક યુવાને લગ્નના ત્રણ મહિના બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.આ બનાવમાં સ્યુસાઇડ નોટના આધારે યુવાનના સસરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.યુવતી તેમના પતિ સાથે જીવન જીવવા માંગતી હતી પરંતુ યુવતીના પિતા યેન કેન પ્રકારે બંને વચ્ચે ઝઘડો કરાવી છૂટાછેડા લેવડાવવા માંગતા હોય તેમજ પરિવારને ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપતા ગુમ સુમ રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જાણવા મળ્યા મુજબ રેલનગર શિવાજી પાર્કમાં કર્ણાવતિ સ્કૂલ પાછળ રહેતાં જીગરભાઇ અશોકભાઇ સોલંકી (ઉ.વ.28) નામના યુવાને ગળાફાંસો ખાઇ લેતાં દેકારો મચી ગયો હતો. આ ઘટનામાં જીગરના ભાઈ મેહુલ સોલંકીની ફરિયાદ પરથી જીગરના સસરા રમેશ રતીભાઈ પરમાર(રહે.ગ્રીન લેન્ડ ચોકડી)વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ શરૂૂ કરી છે.આ બનાવ અંગે પ્ર.નગરના પીએસઆઇ કે. સી. ભગોરા, રાઇટર વિક્રમભાઇ સહિતે પહોંચી કાર્યવાહી કરી છે.
જીગરના લગ્ન તા.14/4ના સોનમ નામની યુવતી સાથે થયા હતાં.તેણીનું માવતર ગ્રીનલેન્ડ ચોકડી પાસે છે.લગ્નના એક મહિના બાદ સોનમ તેમના પિતાના ઘરે આટો મારવા સમયસર જતા હતા તેઓને જીગર જરૂૂરી ખર્ચના પૈસા પણ આપતો હતો જ્યારે સોનમ તેમના પિયરે જાય ત્યારે સસરા રમેશભાઈ જીગરને કોલ કરી મારી દીકરીને અહીં ગમતું નથી તમે તેડી જાવ તેમ કહેતા હતા.ભાભીને આપેલા પૈસા પણ સસરા રમેશભાઈ લઇ લેતા હતા.તેમજ સસરા રમેશભાઈ થોડા થોડા દિવસે જીગરને કોલ કરી સોનમને પિયરે રોકાવા બોલાવતા હતા.સોનમ પિયરે જવાની ના પાડતા છતાં રમેશભાઈ જીગરને કોલ કરી કહેતા કે તમે મારી દીકરીને દબાવો છો ગાળો આપી ધમકી આપી કે તમારા પરિવારને ખોટા કેશમાં ફિટ કરાવી દઈશ.
બાદમાં ગુમ સુમ રહેતા જીગરે તેમના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો અને તેની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી.આ ચિઠ્ઠીમાં તેણે લખ્યું છે કે-હું આત્મહત્યા કરુ છું તેનું કારણ મારો સસરો રમેશ પરમાર છે.તે મને અને મારા પરિવારને હેરાન કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે અને પોલીસ કેસ કરવાની ધમકી આપે છે. દહેજનો કેસ કરવાની ધમકી આપે છે અને મને મારા મા-બાપથી અલગ થવાનું કહે છે, તેથી હું આત્મહત્યા કરુ છું, આ બધુ પૈસા માટે કરે છે. મારા પૈસામાં કે મારી મિલ્કતમાં મારી પત્નિનો કોઇ હક્ક રહેશે નહિ, બધુય મારા મા-બાપનું છે. મારા મોબાઇલમાં રેકોર્ડિંગ છે, મારા પરિવારનો કોઇ વાંક નથી.આ મામલે પ્ર. નગર પોલીસે આરોપી રમેશ પરમારને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.