ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેકટર બી. ટી. ગોહિલની સિંગલ ઓર્ડરથી બદલી
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રેવન્યુ અને પોલીસ તંત્રમાં બદલીનો દૌર શરૂ થયો છે જેમાં ગઈકાલે મોડીરાત્રે પોલીસ ઈન્સ્પેકટર અને પીએસઆઈની બદલીનો મોટો લીથો બહાર પડયો છે. જેની સાથોસાથ ક્રાઈમ બ્રાંચના પીઆઈ બી.ટી.ગોહિલની પણ સીંગલ ઓર્ડરથી અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરતો હુકમ કરવામાં આવ્યો છે.
રાજકોટની ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતાં પીઆઈ બી.ટી.ગોહિલની અગાઉ છોટા ઉદેપુર ખાતે બદલી કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતાં આ ઓર્ડર સ્થગીત કરી દેવામાં આવ્યો હતો. જે ઓર્ડર રદ કરી દઈ રાજ્યના પોલીસ વડાએ ચૂંટણીને ધ્યાને રાખીને પીઆઈ બી.ટી.ગોહિલને અમદાવાદ ગ્રામ્ય ખાતે નિમણૂંક આપતો હુકમ કરવામાં આવ્યો છે.
અગાઉ રાજકોટના કુવાડવા રોડ પર નવાગામ નજીક બાયોડીઝલના વેચાણ પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો જે કેસમાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ બી.ટી.ગોહિલ સામે ઈન્કવાયરી સોંપવામાં આવી હતી અને આ ઈન્કવાયરીના ભાગરૂપે તેમની છોટાઉદેપુર ખાતે બદલી કરી નાખવામાં આવી હતી પરંતુ ઈન્કવાયરીના અંતે પીઆઈ બી.ટી.ગોહિલને બાયોડીઝલ કાંડમાંથી કલીન ચીટ મળી ગઈ હતી. જે રિપોર્ટના આધારે રાજ્યના પોલીસ વડાએ તેમનો છોટાઉદેપુર ખાતેનો બદલીનો ઓર્ડર રદ કરી નાખ્યો હતો.
ક્રાઈમ બ્રાંચના પીઆઈ બી.ટી.ગોહિલ ઘણા સમયથી રાજકોટ ખાતે ફરજ બજાવતાં હોય અને લોકસભાની ચૂંટણીને કારણે ચૂંટણી પંચના આદેશથી તેમની બદલી કરવામાં આવી છે અને અમદાવાદ ગ્રામ્ય ખાતે તાત્કાલીક હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.