મુળી કોલસાની ખાણમાં 3 મજૂરોનાં મોત મામલે રાજકીય અગ્રણી સહિત 4 સામે ગુનો
સુરેન્દ્રનગર પંથકમાં ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં વધુ એક દુર્ઘટનાથી ચકચાર
મુળી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર ચાલતા કોલસાની ખાણમાં ગેસ ગળતરથી ત્રણ મજુરોના મોત થયા હતા. આ બનાવમાં જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ તેમજ મુળી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સહિત 4 સામે ગુનો નોંધાયો છે. કોઇપણ જાતના સુરક્ષાના સાધનો વિના મજુરોને ખાણમાં ખોદકામ માટે કામે લગાડયા હોવાનું સામે આવ્યું છે.
સાગધ્રા ગામનાં મૃતકનાં પિતા સવસીભાઇ નાનજીભાઇ ડાભીની ફરિયાદને આધારે ગુનો નોંધાયો હતો. જેમાં ઉલ્લેખ કરાયો છે કે ભેટ ગામની સીમમાં કુવો ખોદવા માટે મજુરીએ રાખી કોઇપણ જાતની સુરક્ષાનાં સાધનો ન આપી બેદરકારી દાખવા અને સાગધ્રા ગામના 35 વર્ષના લક્ષમણભાઇ સવસીભાઇ ડાભી, ઉંડવી ગામનાં 35 વર્ષના વિરમભાઇ કુકાભાઇ કેરાળીયા તેમજ 32 વર્ષના ખોડાભાઇ વાધાભાઇ મકવાણાનું ગેસ ગુંગળામણથી મોત નિપજાવવા બાબતે કોલસાની ખાણ ચલાવતા ઉંડવીનાં જશાભાઇ રધાભાઇ કેરાળીયા, રાયસંગપરનાં જનકભાઇ જીવણભાઇ અણીયારીયા, જિલ્લા પંચાયતનાં સદસ્યનાં પતિ ખીમજીભાઇ નરશીભાઇ સારદિયા, મૂળી તાલુકાપંચાયતનાં સદસ્ય કલ્પેશભાઇ કેશાભાઇ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય શખસો ઝડપી લેવા તપાસ આરંભી છે.
મુળી તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પરમારે પોતાનો બચાવ કરતા જણાવ્યુ કે, હું કયારેય ખનીજ ચોરીમાં ગયો નથી મને રાજકીય રીતે ખોટી રીતે ફીટ કરવામાં આવ્યો છે. ખુદ ફરિયાદી પણ કહે છે મેં તમારૂૂ નામ નથી લખાવ્યુ તો પણ મારૂૂ નામ કયાંથી આવ્યુ તે તપાસનો વિષય છે. મૂળીનાં ભેટ ગામે જે જગ્યાએ કાર્બોસેલ ખોદવાની કામગીરી ચાલતી હતી. ત્યાં બાજુનાં ખેતરનો માલીક ખોદવા દેવાના નાણા ઉઘરાવતો હતો. અને છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર કામગીરી ચાલતી હોવાનું જાણવા મળી રહ્યુ છે.
તેમ છતા સ્થાનિક તંત્ર ઉંઘતુ રહ્યુ હતુ અને કોઇ જ કાર્યવાહી કરાઇ ન હતી. ઉંડવી ગામનાં મૃતકનાં પિતા કુકાભાઇએ ભારે હૈયે જણાવ્યું હતું કે મારા દીકરા વિરમનું અવસાન થતા તેનાં 2 સંતાનો, પત્નિ અને માતા પિતા નોંધારા બન્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝાલાવાડમાં ખાડામાં મોતના બનાવોમાં વધારો નોંધાયો છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.