વેપારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત
રાજકોટમાં રહેતા પાર્થિવભાઈ દવે અને અમદાવાદના ધવલ કેતનકુમાર શાહ ચાર વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા હતા. ધવલ શાહે પર્ફ્યુમ, અગરબત્તી અને સેવિંગ ફોર્મ સહિતની લક્ષનો હોલસેલ વેપાર કરવા માટે ધંધામાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી જેથી પાર્થિવભાઈ દવેએ પોતાની મરણમુડી સમાન રૂૂ.4 લાખનું રોકાણ કર્યું હતું. ધંધામાં રોકેલ રૂૂપિયાના નફા અંગે અવારનવાર પૂછપરછ કરતા ધવલ શાહે કોઈ પણ પ્રકારનો નફો થતો ન હોવાનું જણાવ્યું હતું જેથી પાર્થિવભાઈ દવે રકમ પરત માંગતા ધવલ શાહે રૂૂ.3.50 લાખનો ચેક આપ્યો હતો જે ચેક વગર વસૂલાતે પરત ફરતા પાર્થિવભાઇ દવેના પત્ની શ્વેતાબેન દવેએ પોતાના વકીલ મારફતે ધવલ શાહને પોતાના વકીલ મારફત નોટીસ પાઠવી હતી.
જે નોટીસ બજી જવા છતાં રકમની ચુકવણી નહિ કરતા કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે ધવલ શાહને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ ફરિયાદ દાખલ કર્યા તારીખથી 9 ટકા વાર્ષિક વ્યાજ સહિત એક માસમાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ ઋષિ એન. જોષી અને અસલમ એચ. સંધવાણી રોકાયા હતા.