વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવનાર અપરાધીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
કુદરતી હાજતે ગયેલી 14 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના પોક્સો એક્ટના ગુનામાં ધરપકડ થઇ’તી
ધોરાજી પંથકમાં ખેત મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારની અભ્યાસ કરતી 14 વર્ષની સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં ધોરાજી કોર્ટે વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવનાર અપરાધીને 20 વર્ષની સજા અને રૂૂ.8,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ધોરાજી પંથકમાં ખેત મજૂરી અર્થે આવેલા પરિવારની શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરા તા.2/11/2022 ના રોજ કુદરતી હાજતે ગઈ હતી ત્યારે હરસિંગ ઉર્ફે હરેશ ભાયલાભાઈ રાઠવા નામના શખ્સે સગીરાનું અપહરણ કરી પોતાના વતનમાં લઈ ગયો હતો અને સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાના પરિવારે આરોપી હરસિંગ ઉર્ફે હરેશ ભઈલાભાઈ રાઠવા વિરુદ્ધ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે આરોપી હરસિંગ ઉર્ફે હરેશ રાઠવાને ભોગ બનનાર સાથે ઝડપી લીધો હતો.
જે કેસમાં આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. જે કેસ ચાલવા ઉપર આવતા ભોગ બનનાર, ફરિયાદી, તપાસ અધિકારી અને તબીબની જુબાની તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ કાર્તિકેય પારેખ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહી બુલ્લા શેખે આરોપી હરસિંગ ઉર્ફે હરેશ રાઠવને પોકસો એક્ટ અને દુષ્કર્મના ગુનામાં તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને રૂૂ.8,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે તેમજ ભોગ બનનારને વિકટીમ કંપનસેન્સ્કીમ હેઠળ રૂૂ.7 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ રોકાયા હતા.