વડીલોપાર્જિત વારસાઇ મિલકતના દાવામાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ફગાવતી કોર્ટ
વડીલોપાર્જિત વારસાઈ મિલ્કતના વેચાણમાંથી ખરીદ કરાયેલ મિલ્કતમાં હિસ્સો ઠરાવી આપવા દાખલ કરેલ દાવામાં કામચલાઉ મનાઈ હુકમની અરજી કોર્ટે નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં સમાવિષ્ટ થયેલ ગામ નાનામૈવાના રે.સ.નં. 33 પૈકીની બિનખેડવાણ અને ઈમારત બાંધવાની મંજુરીવાળી જમીનના પ્લોટ પૈકી ગુલાબવાટીકા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ પ્લોટ નં.7 ના સબપ્લોટ નં. 7/2/બી-1 પૈકી ઉત્તર તરફની પશ્ચિમના રસ્તાવાળી જમીન ચો.મી.આ.62.71 કે જેના ચો.વા.આ.75.00 કે જે પ્રતિવાદી હાર્દિક ધીરજભાઈ ઉર્ફે ધીરૂૂભાઈ પીપળવા અને મનસુખભાઈ ઉર્ફે બાબભાઈ રામજીભાઈ પીપળવાની સંયુકત નામે આવેલ છે જે મિલ્કતમાં હિસ્સો મળવા સબંધે વાદી અલ્પાબેન વલ્લભભાઈ મોલીયાએ દાવો દાખલ કર્યો હતો. જે દાવો ચાલતા કામે કામચલાઉ મનાઈ હુકમની અરજી દાખલ કરી હતી. જે દાવાના તથા મનાઇ હુકમની અરજીના સમન્સ / નોટીસ પ્રતિવાદીને બજતા પ્રતિવાદી હાર્દિક પીપળવા અને મનસુખભાઈ ઉર્ફે બાબભાઈ પીપળવા વતી રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ મારફત દાવાના તથા મનાઈ હુકમની અરજીના જવાબ-વાંધા રજુ કરેલા અને મનાઈ હુકમની અરજીની સુનાવણી વખતે દલીલ કરી હતી કે, દાવાવાળી મિલ્કત કોઈ વડીલોપાર્જિત મિલ્કતમાંથી ખરીદ કરાયેલ નથી અને તે સબંધેના કોઈ દસ્તાવેજો કે પુરાવાઓ રજુ કરવામાં આવેલ નથી. જેથી વાદી કોઈ હક્ક, હિત કે હિસ્સો મેળવવા હક્કદાર નથી.
મિલ્કત પ્રતિવાદીઓએ જાતે ખરીદ કરેલ હોય અને પ્રતિવાદીઓની સ્વતંત્ર માલીકી અને કબજા ભોગવટાની આવેલ હોય વાદીઓનો કોઈ પ્રથમ દર્શનીય કેસ ન હોય વાદીની કામચલાઉ મનાઈ હુકમની અરજી રદ કરવા દલીલ કરેલ. જે ધ્યાને લઈને રાજકોટના એડીશ્નલ સીનીયર સીવીલ જજ એ.આર. સોનીએ કામચલાઉ મનાઇ હુકમની અરજી નામંજુર કરતો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં પ્રતિવાદીઓ વતી રાજકોટના ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી અને ભાર્ગવ એ. પાનસુરીયા રોકાયા હતા.