બોગસ વીમા પોલીસી પકાવી નાણા ઓળવી જવાના ગુનામાં આરોપીના આગોતરા ફગાવતી કોર્ટ
ખાનગી હોસ્પિટલના લેટર પેડ ઉપર પૂર્વ તબીબના નામે મેડિકલ સર્ટિફિકેટમાં અન અધિકૃત સહી સિક્કાઓ કરી રૂૂપિયા 22 લાખથી વધુ રકમના વીમા પકવવાના કૌભાંડમાં સંડોવાયેલા સાગર પાનસુરીયા નામના અક્ષની આગોતરા જામીન અરજી રદ કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અંકિત કાથરાણી, ખાનગી હોસ્પિટલ કર્મચારી સાગર પાનસુરીયા, હિમાંશુ ગોપાલભાઈ અને હિતેશ રવૈયા વગેરેએ મળીને રાધે હોસ્પિટલના લેટર પેડ ઉપર અને હોસ્પિટલના અગાઉના તબીબના નામના ખોટા સહી સિક્કાઓ વાળા મેડિકલ સર્ટિફિકેટ બનાવી એચડીએફસી ફરગો ઇન્સ્યોરન્સ કંપનીમાંથી રૂૂપિયા 22 લાખથી વધુ રકમના વીમા પકવવાના કૌભાંડ મામલે તા. 25/ 6/ 2025ના રોજ કંપની દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. તેમાં પોલીસે તપાસ ચલાવીને અગાઉ ડોક્ટર અંકિત કાથરાણી હિમાંશુ ગોપાલભાઈ અને હિતેશ રવૈયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટની સુચનાથી જેલ હવાલે કર્યા હતા. દરમિયાન ચોથો આરોપી સાગર રાજેશ પાનસુરીયા નાસતો ફરતો હોય, તેણે પોલીસ દ્વારા ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી.
જે જામીન અરજી ચાલવા ઉપર આવતા સરકાર વતી હાજર થયેલા સરકારી વકીલ પરાગ શાહે આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા અદાલતને જણાવ્યું હતું કે આ કૌભાંડના ખાનગી હોસ્પિટલના મુખ્ય લેટરપેડ તેમજ પૂર્વ ડોક્ટરના નામવાળા સિક્કા તેમજ બોગસ સહી વગેરેમાં આરોપી સાગર પાનસુરીયાની સીધી સંડોવણી હોય, તેની સામે પ્રાઇમા ફેસી કેસ છે, તેના વિના કેસની તપાસ અધુરી ગણાય, આ આરોપી ભાગતા ફરતા હોય તેની આગોતરા અરજી નામંજૂર થવી જોઈએ. જે રજૂઆતો ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજે આરોપી સાગર પાનસુરીયા ની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ કામમાં સરકાર પક્ષે એપીપી પરાગ એન શાહ રોકાયા હતા.