વિવાદાસ્પદ ડોકટર શ્યામ રાજાણીની દુષ્કર્મના ગુનામાં જામીન અરજી ફગાવતી કોર્ટ
પ્રથમ પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં ધરપકડ થઈ’તી
અગાઉ બોગસ દવાખાના અને કોડીનારના યુવકના અપહરણથી ચર્ચામાં આવેલા તેમજ કુવાડવા રોડ ખાતે હોટેલ ચલાવતા શ્યામ રાજાણી સામે તેની પ્રથમ પત્નીએ નોંધાવેલ દુષ્કર્મના ગુનામાં શ્યામ રાજાણીએ કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કુવાડવા રોડ ઉપર ગ્રીન એવન્યુ ડીમાં રહેતા વિવાદાસ્પદ શ્યામ હેમંતભાઈ રાજાણી વિરુદ્ધ તેની પ્રથમ પરનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી શ્યામ રાજાણીની ધરપકડ કરી જેલ લવાલે કર્યો હતો. અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ થયા બાદ આરોપી શ્યામ રાજાણીએ જેલ મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહ્યા હતા અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી વિરુદ્ધ સમાજ વિરોધી ગુનો છે અને આરોપી શ્યામ રાજાણી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે આવા સમાજ વિરોધી ગુનાઓમાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં જો જામીન આપવામાં આવશે તો આરોપી ફરી આવા ગુના આચરશે તે રજૂઆતને ધ્યાન લઈ સેશન્સ જજ પી.જે. તમાકુવાલાએ આરોપી શ્યામ રાજાણીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.