મુંબઇના પીઆઇ વતી લાંચ લેતા ઝડપાયેલા આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
મુંબઈના પોલીસ ઈન્સ્પેકટર વતી 10 લાખની લાંચ લેવાના કેસમાં રાજકોટ ખાતે જી.એસ.ટી.ની વકીલાત કરતા આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર દિગંબર પગરએ રાજકોટના વતની જયેશભાઈ સોલંકીને મુંબઈ ખાતે એક ગુનાના કામે નિવેદન આપવા માટે હાજર થવા નોટીસ ઈશ્યુ કરી હતી. આ નોટીસ મળ્યા બાદ આરોપી જેવીન નાનજીભાઈ સાવલીયાએ મોબાઈલ ઉપર ફરીયાદીનો સંપર્ક કરી આ બાબતે પતાવટ કરવા માટે જણાવ્યુ હતું અને આરોપી જેવીને મુંબઈના ઈન્સ્પેકટર પગર સાથે ફરીયાદીની હાજરીમાં મોબાઈલ ઉપર વાતચીત કરી રૂૂ.15 લાખ પતાવટ પેટે માંગ્યા હતા. જે રકમ રકજકના અંતે રૂૂ.10 લાખ નકકી થઈ હતી.
ટ્રેપના દિવસે સહઆરોપી જેવીન મુંબઈના ઈન્સ્પેકટર વતી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. પોલીસ તપાસ પુર્ણ થયા બાદ આરોપી જેવીનની જામીન અરજીની દલીલો વખતે રજુઆત કરવામાં આવેલ કે આરોપી વકીલ છે અને પોલીસ તપાસ પુર્ણ થઈ ગયેલ છે તેથી આરોપીને જામીન આપી દેવા જોઈએ. સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, આરોપી પોતાને વકીલ તરીકે ઓળખાવે છે પરંતુ તેઓ વકીલ તરીકે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં નોંધાયેલ હોય તેવો કોઈ પુરાવો નથી. તેથી આ આરોપીને વકીલ ગણી શકાય નહી. આ ઉપરાંત પોલીસ તપાસ પુર્ણ થઈ ગયા બાદ હાલના આરોપી પોતે નિર્દોષ હોવાનો કે ઈન્સ્પેકટરે આપેલ નોટીસ અંગે અજાણ હોવાનો કોઈ બચાવ લાવેલ નથી. આથી સાબિત થાય છે કે આરોપી જેવીને જે રકમ સ્વીકારેલ છે તે લાંચની હોવાનું જાણતા સભાનપણે સ્વીકારેલ છે. કોઈ વ્યકિતએ ભ્રષ્ટાચારના અનેક વ્યવહારો પુરા પાડયા હોય ત્યારે જ લાંચની આટલી મોટી રકમ સ્વીકારવાની હિમ્મત દર્શાવી શકે.
વધુમાં આ આરોપીએ ફરીયાદીને સામેથી ફોન કરેલ તેથી તેઓ નોટીસની વિગતોથી માહિતગાર હતા. આ નોટીસમાં પોલીસ ઈન્સ્પેકટરે ફરીયાદીને સાહેદ તરીકે હાજર રહેવા જણાવેલ છે કે આરોપી તરકે હાજર રહેવા જણાવેલ છે તે અંગેની કોઈ સ્પષ્ટતા ઈરાદાપુર્વક કરવામાં આવેલ નથી. આ રીતે મલીન ઈરાદા સાથે અપાયેલ આ નોટીસ ફરીયાદીને વધુને વધુ ડરાવવા માટે અપાયેલ હોવાનું જણાઈ આવે છે. મુખ્ય આરોપી પોલીસ ઈન્સ્પેકટર પગર ત્રણ માસ થવા છતાં પકડાયેલ નથી અને નાસતા ફરે છે ત્યારે હાલના આરોપીને જામીન ઉપર છોડવા ન્યાયિક નથી. સરકાર તરફેની આ રજુઆતોના અંતે સ્પેશ્યલ જજ વી.એ.રાણાએ આરોપી જેવીન સાવલીયાની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.