રાજકોટમાં જુગારધારાના નવા કાયદા હેઠળ નોંધાયેલા પ્રથમ કેસમાં છ આરોપીને જામીન મુકત કરતી કોર્ટ
રાજકોટ નજીકના બેડી ગામથી હડમતિયા જવાના રસ્તા પર ફાટક પછી વાડીવાળા પીરની દરગાહ પાસે સરકારી ખરાબામાં ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલો ભીસ્તીવાડનો નામચીન એજાઝ ઉર્ફે ટકો અકબર ખીયાણી ઘોડીપાસાની ક્લબ ચલાવતો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી જુગાર કલબના સંચાલક એઝાજ ઉર્ફે ટકો અકબરભાઈ ખીયાણી અને યુસુફભાઇ ઉર્ફે બકરો હબીબભાઈ ઠેબા સહિત આઠ શખ્સોની ધરપકડ કરી કરી હતી. આ 8 શખ્સોમાંથી 7 શખ્સો ગુનાઇત ઇતિહાસ ધરાવતા હોવાથી ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાની કલમ 112(સંગઠિત ગુનો)નો ઉમેરો પોલીસે કર્યો હતો. જેને કારણે જુગારના કેસમાં પ્રથમ વખત આઠેય આરોપીઓને અદાલતે જામીન નહીં આપી જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. નીચેની કોર્ટે જામીન અરજી રદ કરતા આરોપી હાજી ઇસ્માઇલભાઈ જુણેજા, સદામ ઉર્ફે ઇમુ હુશૈનભાઈ શેખ, મેહબુબભાઈ અલ્લારખાભાઇ અજમેરી, ઇમ્તીયાઝભાઇ ઉર્ફે ઠુઠો અલ્લારખાભાઇ શેખ, પરેશ રમેશભાઈ ઝાલા અને તુષાર રમેશભાઈ લીડીયાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે છ આરોપીને રૂ.10-10 હજારના શરતી જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપીના બચાવ પક્ષે એડવોકેટ સાહિસ્તાબેન ખોખર, રણજીતભાઈ પટગીર, દયા છાયાણી, નિમેષ જાદવ અને આસિસ્ટન્ટ તરીકે અમાનખાન પઠાણ રોકાયા હતા.