મીન્ટી ફી ફિનસર્વ પ્રા.લી.ના બ્રાન્ચ મેનેજરની લોન કૌભાંડમાં જામીન અરજી મંજૂર કરતી કોર્ટ
બોગસ ડોક્યુમેન્ટના આધારે 4.13 કરોડથી વધુની લોન મંજૂર કરી ઠગાઇ કરી’તી
બોગસ દસ્તાવેજ બનાવી કરોડો રૂૂપિયાના લોન કૌભાંડના ગુન્હામાં જેલ હવાલે થયેલા મીન્ટી ફી ફિનસર્વ પ્રા.લી. બ્રાન્ચ મેનેજરની ચાર્જશીટ પહેલાની જામીનઅરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, ગત તા. 31/ 03/ 2025ના રોજ રાજકોટ શહેર ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી મીન્ટી ફી ફિનસર્વ પ્રા.લી.ના લીગલ મેનેજર ચંદ્રેશભાઈ મોટુમલભાઈ જોબનપુત્રાએ તેમની કંપનીના જ રાજકોટ બ્રાન્ચ મેનેજર સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ આપેલ કે, મીન્ટી ફી ફીનસર્વ પ્રા.લી.ના રાજકોટ બ્રાન્ચ મેનેજર હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલાએ પોતાના અંગત લાભ અર્થે કસ્ટમરોને લોન આપવા કસ્ટમરો પાસેથી ખોટા બિલો તથા બોગસ રેકોર્ડ જેવા કે મશિનરીના ખોટા બિલો, સરકારી રેકોર્ડ એવા ગ્રામ પંચાયતના બોગસ દાખલાઓ મેળવી તે ખોટા રેકોર્ડનો સાચા રેકોર્ડ તરીકે ઉપયોગ કરી કસ્ટમરોને રૂૂ. 4.13 કરોડથી વધુ રકમની લોનો ખોટા દસ્તાવેજોના આધારે ખોટા વેલ્યુએશન કરી લોન મંજુર કરી તેમાથી મસમોટું કમિશન મેળવી કૌભાંડ આચાર્યું હોવાનું જણાવ્યું હતું.
જે ફરિયાદ બાદ ગાંધીગ્રામ-2(યુનિ.) પોલીસે હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલાની ધરપકડ કરેલ અને 5 દિવસના રિમાન્ડ મેળવી રિમાન્ડના અંતે આરોપી હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલાને જેલ હવાલે કરેલ. દરમિયાન જેલહવાલે થયા બાદ હિતેન્દ્રસિંહ ઝાલાએ પોતાના વકીલ મારફત જામીન અરજી કરેલ હતી. જેમાં આરોપી તથા ફરિયાદીના વકીલ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે, આરોપીને લોન મંજૂર કરવાનો અધિકાર નથી, તેને કોઈ કમિશન મળ્યું હોવાના પુરાવા નથી મતલબની દલીલો તથા ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓ તેમજ કેસના સંજોગોને ધ્યાને લઈ આરોપી હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલાને રાજકોટ એડી. સેશન્સ કોર્ટે ચાર્જશીટ પહેલા રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ છે.
આ કેસમાં આરોપી વતી વકીલ રૂૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈન હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિ લાલ, જીત શાહ, ફેઝાન સમા, દિપક ભાટિયા, અંકિત ભટ્ટ, રહિમ હેરંજા રોકાયા હતા.