યુવતી સાથે છેતરપિંડી કરનાર શખ્સને નિર્દોષ છોડી મૂકતી કોર્ટ
જામનગરમાં એક યુવતીને ટીવી સિરિયલમાં કામ અપાવવા અને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન અપાવવાની લાલચ આપીને છેતરપિંડી કરવાના કેસમાં આરોપીને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો છે. દીપાલીબેન નામની યુવતીએ પ્રકાશ ગોસ્વામી નામના વ્યક્તિ સાથે ઓળખાણ થયા બાદ તેને એન્જિનિયરિંગમાં એડમિશન લેવાની વાત કરી હતી. પ્રકાશે તેને અમદાવાદમાં એડમિશન અપાવવાનું કહીને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ તેણે મોડેલિંગ કરવાથી ટીવી સિરિયલમાં કામ અપાવી દેવાની વાત કરી હતી અને તેના ફોટા પાડીને પોર્ટફોલિયો બનાવ્યો હતો. પછી તેને જયપુરમાં ટીવી સિરિયલનું શૂટિંગ છે તેમ કહીને ત્યાં લઈ ગયો હતો અને એક્ટિંગની તાલીમ લેવાનું જણાવીને અલગ અલગ જગ્યાએ ફેરવ્યો હતો.
આરોપીએ દીપાલીબેનને લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ તેણે ના પાડતાં તેને ધમકીઓ આપી હતી અને તેના ખરાબ ફોટા સોશિયલ મીડિયામાં મૂકી દેવાની ધમકી આપી હતી. તેણે દીપાલીબેનના ડોક્યુમેન્ટ્સ અને અભ્યાસના પ્રમાણપત્રો પણ છીનવી લીધા હતા. દીપાલીબેને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા પછી આરોપીએ ઉશ્કેરાઈને તેને અને તેના પરિવારને ગાળો દેવાનું શરૂૂ કર્યું હતું. તેણે દીપાલીબેનનું બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવીને તેની બહેનના ફેસબુક એકાઉન્ટમાં મૂક્યું હતું અને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી.
દીપાલીબેને કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપીએ વિશ્વાસઘાત, છેતરપિંડી અને બોગસ પ્રમાણપત્ર બનાવીને તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા બદલ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન આરોપીએ દીપાલીબેન પોતાની મરજીથી તેની સાથે અલગ અલગ જગ્યાએ ગયા હોવાનું જણાવ્યું હતું અને ટીવી સિરિયલમાં કામ ન મળવાથી ખોટી ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે સરકારી વકીલે આરોપીએ બ્લેકમેલ કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની દલીલ કરી હતી. કોર્ટે આરોપીની દલીલોને માન્ય રાખીને તેને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આરોપી પક્ષે એડવોકેટ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા અને નિતેશ જી. મુછડિયા હાજર રહ્યા હતા.
