કાલાવડના શાપરામાં અકસ્માતે દાઝેલું દંપતી ખંડિત : વૃધ્ધાએ દમ તોડયો
કાલાવડનાં શાપરા ગામે રસોઈ બનાવતી વખતે ભભૂકેલી આગમાં વૃધ્ધા દાઝી ગયા હતાં. જેને બચાવવા જતાં પતિ પણ દાઝીયા હતાં. ગંભીર રીતે દાઝી ગયેલા વૃધ્ધાએ સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાલાવડના શાપરા ગામે રહેતાં જયાબેન નરસીભાઈ બાબરીયા (ઉ.65) દસ દિવસ પહેલા પોતાના ઘરે સવારે રસોઈ બનાવતાં હતાં ત્યારે ગેસનું બટન બંધ કરવાનું ભુલી ગયા બાદ ગેસ ચાલુ કરવા જતાં આગ ભભૂકી હતી. જેમાં જયાબેન દાઝી ગયા હતાં. જયાબેનને બચાવવા જતાં તેમના પતિ નરસીભાઈ બાબરીયા પણ દાઝીયા હતાં.
ગંભીર રીતે દાઝી ગયેલા જયાબેનને રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં જામકંડોરણાના બરડીયા ગામે રહેતાં જમકુબેન વલ્લભભાઈ વાછાણી (ઉ.80)એ નવ માસ પહેલા પતિનું અવસાન થતાં ‘મારે મારા પતિ પાસે જવું છે મને નથી ગમતું’ તેવું કહી પતિના વિરહમાં પોતાની જાતે કેરોસીન છાંટી જાત જલાવી લીધી હતી. ગંભીર રીતે દાજી ગયેલા વૃધ્ધાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.