વીંછિયાની મોઢુકાની સીમમાં બંદૂક સાથે શિકાર કરવા આવેલ દંપતીની ધરપકડ
વીંછિયા તાલુકાના મોઢુકા ગામની સીમમાં રાત્રીના બંધુક સાથે શિકાર કરવા નિકળેલ દંપતિને ફોરેસ્ટ વિભાગના સ્ટાફે રંગેહાથ ઝડપી લેતા દંપતિ પોલીસથી બચવા માટે મોટરસાયકલ લઈને ભાગ્યો હતો. ત્યારે મોટરસાયકલ સ્લીપ થતાં બન્ને ઘાયલ થતાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી વિગતો મુજબ જસદણ રેન્જના મોઢુકા પાસે ઉમઠવીડીમાં પેટ્રોલીંગમાં રહેતા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર દેવરાજભાઈ ગોહિલ તથા ઈન્ચાર્જ વનપાલ વિપુલચંદ્ર વાટુકિયા તેમજ બિટગાડ અશોકભાઈ અને નીમીતભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ઉમઠવીડીમાં રાત્રીના કંઈક અવાજ સંભળાતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ ટોર્ચની લાઈટ કરી તપાસ કરતા એક દંપતિ નજરે પડ્યું હતું.
જેમાં પુરુષના હાથમાં બંદુક હતી અને બન્ને વીડીમાં શિકાર કરવાના ઈરાદે ઘુસ્યા હોય ફોરેસ્ટ અધિકારીએ બન્નેને પડકારતા આ બન્ને મોટરસાયકલ નંબર જીજે 3 સીએન 6387માં ભાગ્યા હતાં. દરમિયાન ફોરેસ્ટ વિભાગના સ્ટાફે પીછો કરતા થોડેદૂર મોઢુકા જવાના રોડ ઉપર મોટરસાયકલ સ્લીપ થયું હતું. અને આ દંપતિ ઘાયલ થયું હતું. પુછપરછ કરતા ઘવાયેલ મોઢુકા ગામના મગન તરસી ખાવડિયા ઉ.વ.33 અને તેની પત્ની શારદા મગન ખાવડિયા ઉ.વ.30 હોવાનું જાણવા મળ્યું હતું. ઈજાગ્રસ્ત બન્નેને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મગન પોતે સ્ટૂડિયો ચલાવતો હોય અને કોરિયો ગ્રાફીનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. દંપતિએ સારવારમાં દાખલ થયા ત્યાંરે અજાણ્યા શખ્સોએ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, આ મામલે વીછિયા પોલીસમાં બન્ને વિરુદ્ધ વનપાલ દેવરાજભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવતા આર્મસ એક્ટ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે.