જિલ્લા પંચાયત પ્રમુખોને સત્તા અને ગ્રાન્ટ આપો
પ્રમુખો પાસે કોઇ ફાઇલ આવતી નથી કે વહીવટમાં શું ચાલે છે તેની પણ ખબર હોતી નથી; મુખ્યમંત્રી સમક્ષ પંચાયત પરિષદે ઠાલવી વ્યથા
ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા પંચાયત પ્રમુખોની બેઠક મુખ્યમંત્રી સાથે યોજાઈ હતી. જેમાં રજૂઆત કરાઈ હતી કે, એક ગ્રામસભાથી બીજી ગ્રામસભા સુધી સુચવેલા વિકાસના કામો વહીવટી તુમાર કારણે સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકતા નથી.જેથી બીજી ગ્રામસભામાં ફરી પ્રશ્ન ઉદભવે છે. ત્યારે આવા પ્રશ્નો ન ઉદભવે, ગ્રામસભાને મજબૂત કરવા અને પરચુરણ વિકાસના કામો તાકીદે થાય તે માટે સાંસદ અને ધારાસભ્યની માફક જિલ્લા પંચાયત પ્રમુખોને વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવી જોઈએ. ત્યારે મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપીને આગામી બજેટમાં જોગવાઈ કરવાની ખાતરી આપી હોવાનું જિલ્લા પંચાયત પરિષદે જણાવ્યું છે.
ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના મંત્રી ભરત ગાજીપરાએ જણાવ્યું હતું કે, બેઠકમાં રાજ્યભરના જિલ્લા પંચાયત પ્રમુખો વતી અધ્યક્ષ પરેશ દેસાઈએ જિલ્લા પંચાયત પ્રમુખો પાસે વિકાસ અને વહીવટ સંબંધે કામગીરીની કોઈ ફાઈલ આવતી ન હોવાની વાત રજૂ કરી હતી. જિલ્લા પંચાયતમાં વિકાસ અને વહીવટ સંબંધે શું ચાલે તેની માહિતી પ્રમુખ પાસે હોવી જરૂૂરી હોવાથી ફાઈલો પ્રમુખના ટેબલ પરથી જાય તે જરૂૂરી છે. પ્રમુખોની રજૂઆતોને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ પણ અધિકારીઓને આ દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત બેઠકમાં ગ્રામ પંચાયતમાં સોલર રૂૂફટોપ આપવા, પ્રાથમિક શાળાઓમાં વીજળીના સિંગલ ફેઝની જગ્યાએ થ્રી ફેઈઝ જોડાણ લેવાના ખર્ચ જિલ્લા પંચાયત પ્રાથમિક સમિતિના સ્થાને રાજ્ય સરકાર ઉઠાવે તેવી પણ રજૂઆત કરાઈ હતી.