For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલ હોસ્પિટલમાંથી દેશી દારૂ ઝડપાયો

04:12 PM Aug 01, 2024 IST | Bhumika
સિવિલ હોસ્પિટલમાંથી દેશી દારૂ ઝડપાયો
Advertisement

સિકયુરિટીએ ઝડપી લઈ પોલીસને સોંપ્યો છતાં વિગતો છુપાવવા પ્રયાસ

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ બાબતને લઈ ચર્ચામાં રહેતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ દર્દીઓના મોબાઈલ અને કિંમતી ચીજવસ્તુઓ ચોરી થવાના બનાવો પણ વધી રહ્યાં છે ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં દવા સાથે દારૂ પણ મળી રહ્યો હોય તેવા બનાવો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ પાસેથી સિકયુરિટીના સ્ટાફે દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈ પ્ર.નગર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આમ છતાં પોલીસ દ્વારા આ બનાવને છુપાવવા માટેનો પ્રયાસ થતો હોય તેમ વિગતો આપવાનો નનૈયો ભણી દીધો હતો.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, સિવિલ હોસ્પિટલમાં સિકયોરિટી તરીકે ફરજ બજાવતાં એકસ આર્મીમેન એન.પી.રાવલ, કૃષ્ણસિંહ જાડેજા, સહિતનો સ્ઠાફ સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ કામગીરીમાં હતો દરમિયાન સિવિલ હોસ્પિટલનાં ઈમરજન્સી બિલ્ડીંગ સામે એક શખ્સ ઓટો રીક્ષામાંથી શંકાસ્પદ રીતે કોઈ વસ્તુ ઉતારતો હોવાનું નજરે ચડતાં સિકયોરિટીના સ્ટાફે દોડી જઈ તપાસ કરતાં તે શખ્સ રીક્ષામાંથી દેશી દારૂ ભરેલી કોથળી ઉતારતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સિકયોરિટીના સ્ટાફે તે શખ્સને ઝડપી લઈ પુછપરછ કરતાં આ શખ્સ યુપીનો હોવાનું જાણવા મળ્યું હતું. અને તેની પાસેથી દેશી દારૂનો કોથળો મળી આવતાં તે કબજે કરી તે શખ્સને ત્યાં બેસાડી દીધો હતો અને સિકયોરિટીના સ્ટાફ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસે હોસ્પિટલે દોડી જઈ જતાં સિકયોરિટીના સ્ટાફ દ્વારા ઝડપાયેલા શખ્સને પ્ર.નગર પોલીસ મથકને સોંપી દેવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાંથી દેશી દારૂ સાથે ઝડપાયેલા શખ્સનો સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ થયો હતો. આ અંગે પ્ર.નગર પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જાણે આ બનાવ અંગે વિગતો છુપાવવા પ્રયાસ કરી રહ્યાં હોય તેમ કોઈ વિગત આપી ન હતી. ત્યારે દેશી દારૂ સાથે ઝડપાયેલા શખ્સને બચાવવા પાછળ પોલીસનો ઈરાદો શું ? તેવા સવાલો ઉઠી રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement