For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારે વરસાદથી કપાસનું ઉત્પાદન 15 ટકા ઘટવાની ભીતિ

12:16 PM Sep 09, 2024 IST | Bhumika
ભારે વરસાદથી કપાસનું ઉત્પાદન 15 ટકા ઘટવાની ભીતિ
Advertisement

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે રાજ્યમાં, ખાસ કરીને કપાસના પાકને વ્યાપક નુકસાન જવાની સંભાવના છે. કોટન એસોસિએશન ઓફ્ ઈન્ડિયા (સીએઆઇ) અને ખેડૂતોના અંદાજ મુજબ, વાવેતરમાં ઘટાડો અને વરસાદથી પાકને થયેલા નુકસાનના કારણે આ વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન 10-15%નો ઘટાડો થવાની ભીતિ છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, જૂનમાં થયેલા વાવેતરને સૌથી વધારે નુકસાન થયું છે.

ગુજરાત કૃષિ વિભાગના આંકડા પ્રમાણે, 2 સપ્ટેમ્બરની સ્થિતિએ રાજ્યમાં કપાસનું વાવેતર ગત વર્ષના 26.79 લાખ હેક્ટર કરતાં આ વર્ષે 12% ઘટીને 23.62 લાખ હેક્ટર થયું છે. સીએઆઇના અંદાજ પ્રમાણે કોટન વર્ષ 2023-24 માટે ગુજરાતમાં કોટનનું 92 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું છે. વર્તમાન નુકસાનીની સંભાવના જોતાં આ વર્ષે ઉત્પાદન આના કરતાં નીચું રહેશે.

Advertisement

સીએઆઇના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું કે, ગુજરાતમાં જૂન મહિનામાં અંદાજે 10 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું. ઓગસ્ટમાં આ પાકમાં ઘણો સારો ગ્રોથ રહ્યો હતો, પરંતુ મિડ-ઓગસ્ટ પછી રાજ્યમાં કપાસનું વાવેતર થયું હોય તેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડતા વાવેતરમાં 15-25%નું નુકસાન થયું હતું. જુલાઈ-ઓગસ્ટમાં જે વાવેતર થયું છે તેમાં છોડ નાનો છે એટલે તેમાં નુકસાની નથી. જો હવે ભારે વરસાદ આવે તો તેમાં પણ નુકસાન જઈ શકે છે. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતની જેમ સમગ્ર દેશમાં આ વર્ષે કપાસનું વાવેતર ઘટયું છે. દેશમાં સરેરાશ 125-130 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થાય છે. આ વર્ષે પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા મહત્વના ઉત્પાદક રાજ્યોમાં વાવેતર વિસ્તાર ઓછો થવાથી દેશનું કપાસનું વાવેતર 111 લાખ હેક્ટર પર પહોંચ્યું છે, જે ગત વર્ષે 123 લાખ હેક્ટર હતું.

રૂના ભાવમાં રૂ.2,000નો ભાવવધારો
કપાસના વેપારીઓના જણાવ્યા પ્રમાણે, વરસાદ તેમજ સિઝનનો સ્ટોક પૂરો થવા ઉપર હોઈ અત્યારે કપાસ અને રૂની આવકો ઘટી રહી છે. ઓછી આવકો સામે માગ જળવાઈ રહેતા રૂના ભાવમાં છેલ્લા 15 દિવસોમાં અંદાજે રૂ. 2,000નો વધારો થયો છે. ગુજરાતમાં બે સપ્તાહમાં જ રૂ. 57,500 વાળું રૂ અત્યારે રૂ. 59,500 પ્રતિ ખાંડી (એક ખાંડી 356 કિલો)ના લેવલે પહોંચ્યું છે. રાજ્યમાં દૈનિક 1,500-1,700 ગાંસડીની આવકો રહે છે જ્યારે દેશમાં 5,000-6,000 ગાંસડીની આવકો થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement