ભ્રષ્ટાચારને છૂટ્ટો દોર, પેસેન્જર વાહનો માટે આરટીઓ નહીં ખાનગી લેબના ફિટનેસ ટેસ્ટ માન્ય
કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે પહેલી એપ્રિલથી રાજ્યમાં તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ, હેવી- મીડિયમ ગુડ્સ વ્હીકલ, હેવી-મીડિયમ પેસેન્જર વ્હીકલ અને લાઈટ મોટર વ્હીકલ (LMV)નો કોઈપણ આરટીઓમાં કરેલા ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે નહીં. હવે આ તમામ પ્રકારના વાહનોનો ફિટનેસ ટેસ્ટ ખાનગી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન (ATS)માં કરાવવો પડશે અને તેનું ફિટનેસ સર્ટિફિકેટ જ માન્ય ગણવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કાર્યરત 53 ખાનગી કંપનીઓને વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવાની સત્તા હતી. આ પૈકી મોટા ભાગનાં સેન્ટરોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતી ચાલતી હોવાના દાવા થયા હતા. તેની તપાસ માટે સરકારે એક સમિતીની રચના કરી હતી, જેણે ભ્રષ્ટાચારની વાતને સાચી ઠેરવતો રિપોર્ટ ટ્રાન્સપોર્ટ વિભાગને આપ્યો હતો. નવાઈની વાત એવી છે કે, સમિતીના અહેવાલ બાદ આ ખાનગી સેન્ટરો ઉપર પગલાં લેવાના બદલે તેમને છુટ્ટો દોર આપી દીધો છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ (MORTH)એ પરિપત્ર બહાર પાડીને ખાનગી કંપનીઓને જ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવાની સત્તા આપી દીધી છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ (MORTH)એ બહાર પાડેલા પરિપત્ર મુજબ, 1 એપ્રિલથી તમામ આરટીઓને ગુડ્ઝ-પેસેન્જર વ્હીકલની ફિટનેસ ચેક કરી ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરીમાંથી બાકાત કરી દેવાયા છે. તેમનાં બદલે આ સમગ્ર કામગીરી ખાનગી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશને સોંપી દેવાઈ છે. હવે વાહનોના ફિટનેસ સર્ટિફીકેટ માટે રાજ્ય સરકારે 800 રૂૂપિયાથી માંડીને 2000 રૂૂપિયા સુધીનો ચાર્જ વસુલવાની સત્તા પ્રાઈવેટ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન્સને આપી છે. લોકોમાં ચર્ચા છે કે, હવે અનેક ગણા પૈસા લઈને અનફિટ વાહનોને પણ પરવાનગી આપી દેવામાં આવે તો જરાય નવાઈ પામવા જેવું નથી.