વેગડવાવ ઇસનપુર રોડના કામમાં ભ્રષ્ટાચાર: એક મહિનામાં 1 કરોડથી વધુના ખર્ચે બનેલ રસ્તો તૂટી ગયો
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલિભગતથી લોકોેને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
સરકાર વિકાસના કામો માટે કરોડો રૂૂપિયા વિવિધ યોજનાઓ થકી ફાળવણી કરીને લોકહિતમાં વાપરતી હોય છે પરંતુ અધિકારીઓ અને એજન્સીઓની મિલિભગતથી લોકોને હાલાકી ભોગવવી પડે છે.
હળવદના વેગડવાવથી જુના ઇસનપુર સુધી આશરે 7 કિલોમીટર લાંબો અને આશરે 1 કરોડથી વધુના ખર્ચે ડામર રોડ નિર્માણ પામ્યો છે પરંતુ પહેલા જ વરસાદે લોટપાણી અને લાકડા કરીને બનાવેલો ડામર રોડ ઠેરઠેર ઉખડી ગયો છે અને ધોવાણ થયો છે ત્યારે વાહનચાલકો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે અને સમારકામ ઝડપી કરવા માંગ કરી રહ્યા છે.વેગડવાવથી ઇસનપુરને જોડતો રોડ એક મહિના પહેલા જ પૂરો થયો છે અને હજુ તો નવો રોડ બન્યાનો આનંદ ઈસનપુર, નવા ઇસનપુર તેમજ વેગડવાવના વાહન ચાલકો માણે તે પહેલા જ ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે બીજી તરફ વર્ષોની તપસ્યા બાદ માંડ માંડ રોડ બન્યો છે અને તે પણ તૂટી જતા લોકોનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક સમારકામ કરે જેથી વરસાદી માહોલ વચ્ચે અકસ્માત ન બને.
વેગડવાવથી ઇસનપુરને જોડતા રોડને લઈને વાહન ચાલકોએ આક્ષેપ લગાવ્યા હતા કે રોડની કામગીરી ગુણવત્તા યુક્ત થઈ નથી તેમજ માટીકામ પણ બરોબર થયું નથી તો સાથે રોડ બનતી વખતે સુપરવિઝન પણ યોગ્ય થયું નથી અને હજુ તો રોડ બન્યો એને મહિનો પણ નથી થયો ત્યાં ઠેર ઠેર ગામડાઓ પડવાની શરૂૂઆત થઈ ચૂકી છે ત્યારે આવી એજન્સીઓ સામે તેમજ લોટપાણીને લાકડાં જેવું કામ ચલાવી લેતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે.