કોર્પોરેશનના ખાડાએ નિવૃત્ત બેંકકર્મીનો ભોગ લીધો, જવાબદાર કોણ?
રૈયા રોડ ઉપર ખાડાના કારણે સ્કૂટર ઉથલી પડતાં કરૂણ મોત
અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા, ઈજાગ્રસ્ત વૃધ્ધને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા પરંતુ જીવ ન બચ્યો
શહેરનાં રસ્તાઓ પર ઠેરઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે. મુખ્ય માર્ગો પર મસમોટા ખાડાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. અગાઉ ખાડાના કારણે અકસ્માત થવાથી નિર્દોષ વાહન ચાલકોએ જીવ ગુમાવ્યાની ઘટનાઓ સામે આવી છે. આમ છતાં નિર્ભર કોર્પોરેશન તંત્ર દ્વારા ખાડા બુરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે કોર્પોરેશનના ખાડાએ વધુ એક ભોગ લેતાં લોકોમાં ઉહાપોહ મચી ગયો છે. રૈયારોડ પર કનૈયા ચોક પાસે ખાડાના કારણે સ્કુટર સ્લીપ થઈ જતાં નિવૃત્ત બેંક કર્મચારીનું મોત નિપજ્યું હતું ત્યારે આ મોતનું જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
જાણવા મળતી વિગત મુજબ, રૈયા રોડ પર જલારામ ચોક પાસે શાંતિનગરમાં આવેલા સોપાન લકઝરીયા નામના એપાર્ટમેન્ટમાં રહેતાં નિવૃત્ત બેંક કર્મી ચીમનભાઈ જીવનદાસ માવાણી (ઉ.70) નામના વૃધ્ધ આજે સવારે પોતાનું સ્કુટર લઈ સદર બજારમાં જવા નીકળ્યા હતાં ત્યારે રૈયા રોડ પર કનૈયા ચોક પાસે પહોંચતાં ચોકમાં ખાડાના કારણે સ્કુટર સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેથી વૃધ્ધ સ્કુટર ઉપરથી ઉથલીને રોડ પર પટકાયા હતાં. જેથી તેઓ લોહીલુહાણ હાલતમાં હોવાથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં અને ઈજાગ્રસ્ત વૃધ્ધને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક ચીમનભાઈ બે ભાઈ ત્રણ બહેનમાં મોટા અને અગાઉ એસબીઆઈ બેંકમાં ઓફિસર હતાં. તેમને સંતાનમાં એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી લોહાણા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ખાડાના કારણે વૃધ્ધનો ભોગ લેવાતાં કોર્પોરેશન તંત્રની બેદરકારી સામે આવી છે ત્યારે વૃધ્ધના મોત માટે જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
શહેરમાં ખાડાના કારણે અગાઉ પણ અકસ્માતો થયા હતાં જેમાં ગત વર્ષે સામાકાંઠે સંતકબીર રોડ પર ખાડાના કારણે બાઈક ચાલક યુવાન રોડ પર પટકાતા તેની ઉપર ટેન્કરના વ્હીલ ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગત સપ્તાહે જ ગોંડલ ચોકડી નજીક રીધ્ધી સિધ્ધિના નાલા પાસે રોડ પર પડેલા ખાડાના કારણે બાઈક સવાર પ્રૌઢ બાઈક પરથી નીચે ઉતરતાં જ પાછળથી આવતાં ટ્રકની ઠોકરે ચડી જતાં તેનું મોત નિપજ્યું હતું. ત્યારે કોર્પોરેશનના ખાડાના કારણે વધુ એક ભોગ લેવાતાં ચકચાર મચી જવા પામી છે.
દિવસમાં ચારથી પાંચ અકસ્માત સર્જાય છે: વેપારીઓમાં આક્રોશ
રૈયા રોડ પર કનૈયા ચોકમાં ખાડાના કારણે સ્કુટર સ્લીપ થતાં બેંક કર્મી વૃધ્ધનો ભોગ લેવાયો છે ત્યારે આ અંગે કનૈયા ચોક પાસે દુકાનો ધરાવતાં વેપારીઓએ જણાવ્યું કે, ચોકમાં મસમોટા ખાડાઓ હોવાના કારણે દિવસ દરમિયાન 4 થી 5 બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માતો સર્જાતા રહે છે. છેલ્લા છ મહિનાથી કનૈયા ચોકમાં ખાડાઓ હોવા છતાં કોર્પોરેશન તંત્ર કોઈ કાર્યવાહી કરતું ન હોવાનો વેપારીઓએ જણાવ્યું હતું.