મિલકતવેરા વ્યાજ બંધ હપ્તા યોજનાની વહેલી જાહેરાત કરી કોર્પોરેશન ફસાયું
એપ્રિલ માસથી યોજના લાગુ થવાની હોવાથી બાકીદારોએ લાભ લેવા સિલીંગ અને જપ્તીની કામગીરી અટકાવતા વેરાવિભાગમાં દોડધામ
મહાનગર પાલિકાના વેરાવિભાગ દ્વારા વર્ષોથી મિલ્કતવેરો ન ભરતા હોય અને વ્યાજની મોટી રકમ ચડત થઈ ગઈ હોય તેવા આસામીઓ માટે 1 એપ્રીલથી વ્યાજબંધ હપ્તા સિસ્ટમ યોજના અમલમાં મુકવાની જાહેરાત કરી છે. પરંતુ અગાઉથી જાહેરાત કરી નખાતા હવે મોટી સમસ્યા ઉભી થઈ છે કારણ કે, બાકી રહેતા ચાલુ વર્ષના 40 કરોડથી વધુની ઉઘરાણી માટે સીલીંગ અને જપ્તીની કાર્યવાહી કરવા માટે જતાં વેરાવિભાગના અધિકારીઓને જવાબ મળી રહ્યો છે કે, અમારે હપ્તા યોજનાનો લાભ લેવો છે આથી હવે સીલ મારવા નહીં દઈએ આવા જવાબો બધેથી મળતા તંત્ર મુંજવણીમાં મુકાઈ ગયું છે. અને તાબળતોબ મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી જડપથી યોજના શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતનો લક્ષ્યાંક રૂૂ.410 કરોડ રાખવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં રૂૂ.366 કરોડ જેવી વસૂલાત થઇ ગઇ છે ત્યારે હવે છેલ્લા દિવસોમાં બાકી વેરાની વસૂલાતને નવા વર્ષમાં શરૂૂ થનારી ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ માથાનો દુખાવો બની ગઈ હોય તેમ જાણવા મળેલ છે. આથી મનપાના પદાધિકારીઓ દ્વારા ચાલુ નાણાકીય વર્ષથી જ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ-2 લાગુ કરવા વિચારણા શરૂૂ કરાઇ છે.
રાજકોટ મનપાના વેરા વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં વેરા વસૂલાતના લક્ષ્યાંક -આડે હવે માત્ર 44 કરોડનું છેટું છે પરંતુ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં બાકી વેરામાં હપ્તા સિસ્ટમને મંજૂરી અપાતા અને વ્યાજ બંધની જાહેરાત કરાતા જ્યાં પણ ટીમો ઉઘરાણી માટે જાય છે ત્યાં હપ્તા સિસ્ટમથી નાણાં ભરવાનું બાકીદારો કહે છે. જ્યારે હજુ મહાનગરપાલિકાની સિસ્ટમમાં હપ્તા સિસ્ટમના ઇન્સ્ટોલેશનની કામગીરી બાકી હોય તેની અમલવારી આગામી 1લી એપ્રિલથી જ શક્ય બને તેમ છે. આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વેરા વસૂલાત માટે જતી ટીમોને ઉઘરાણીમાં પડતી સમસ્યાની માહિતી મળી છે.
હાલમાં ચાલુ નાણાકીય વર્ષથી આ સિસ્ટમ અમલી કરી શકાય તેમ છે કે કેમ તે બાબતે અભ્યાસ ચાલી રહ્યો છે અને વેરા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા બાદ આખરી નિર્ણય લેવાશે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આ મુદ્દે આગામી મંગળવાર સુધીમાં નિર્ણય લઇ લેવાય તેવી પૂરતી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેરા વસૂલાત વિભાગની ટીમો હાલમાં લક્ષ્યાંક માટે દોડાદોડી કરી રહી છે ત્યારે બીજીબાજુ હવે મિલકતધારકો પણ હપ્તા સિસ્ટમનો લાભ લેવા માગતા હોય તેથી બાકીદારો પાસે વેરા વસૂલાત માટે જતા અધિકારીઓ અને કર્મચારીઓને ધરમધક્કા થઈ રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે.