For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં કોર્પોરેશનના ગાર્બેજ ટ્રકે 8ને ઉલાળ્યા, 1નું મોત

01:09 PM Aug 07, 2025 IST | Bhumika
અમદાવાદમાં કોર્પોરેશનના ગાર્બેજ ટ્રકે 8ને ઉલાળ્યા  1નું મોત

વહેલી સવારે માતેલા સાંઢની જેમ આવતા ટ્રકે અનેક વાહનોને અડફેટે લીધા, શાળામાં અભ્યાસ કરતાં બે બાળકો સહિત 7ને ગંભીર ઈજા

Advertisement

અમદાવાદમાં બેફામ ડ્રાઈવીંગની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ ટ્રકના ચાલકે સવારના પોરમાં 7 જેટલા લોકોને હડફેટે લેતાં એકનું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે અન્યને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. પૂરપાટ ઝડપે આવતી ગાર્બેજ કલેક્શનની ગાડીએ 7 થી 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક 50 વર્ષીય આધેડનું મોત નિપજ્યું છે. આ સિવાય બે વિદ્યાર્થીઓ સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન કરતા વાહને વહેલી સવારે 2 થી 3 વાહનોને તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓને અડફેટે લીધા હતા. પૂરપાટ ઝડપે આવતા આ વાહનની અડફેટે 7 થી 8 જેટલા લોકો આવ્યા હતા. જેમાંથી 1 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ સિવાય શાળામાં અભ્યાસ કરતા બે બાળકો સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

Advertisement

આ ઘટના બાદ ભારે દેકારો મચી જતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં અને ટ્રક ચાલકને પકડી ધોલધપાટ કરી પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રાઈવીંગ લાયસન્સ વગર આ ડ્રાઈવર ગાર્બેટ ટ્રક ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. ગાર્બેજ ટ્રકના ચાલકનું નામ રાહુલ પરમાર હોવાનું જાહેર થયું છે. પોલીસે સ્થળ પરથી જ તેની અટકાયત કરી લોકોના ટોળાથી બચાવવા તાત્કાલીક પોલીસ સ્ટેશને ઉપાડી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અવારનવાર રફતારનો કહેર જોવા મળે છે. હાઈકોર્ટે સરકારને અનેક વખત ફટકાર લગાવી છે પરંતુ ટ્રાફીક નિયમન કરવામાં પોલીસની નિષ્ફળ રહી છે. વહેલી સવારે લોકોને મોર્નિંગ વોકમાં નિકળવાના તેમજ બાળકોને સ્કૂલે મુકવાના સમયે અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે. સવારે 10 વાગ્યા સુધી ટ્રાફીક પોલીસ પોઈન્ટ ઉપર આવતી ન હોવાથી રફતારના રાક્ષસો બેફામ બન્યા છે.

ભાગતા ટ્રક ચાલકને લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો, લાયસન્સ ન હોવાનું સામે આવ્યું
અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન વાહન ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ, હાજર સ્થાનિકોએ તેને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. હાલ પોલીસે અકસ્માત કરનાર ડ્રાઇવર રાહુલ પરમારની અટકાયત કરી છે અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી તેમના પરિજનોને આ વિશે જાણ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ડ્રાઇવર અને લોકોની પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વાહન ચાલક રાહુલ પરમાર પાસે લાઇસન્સ નહતું. જોકે, હાલ આ મામલે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતની માહિતી ચકાસી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement