ગુજરાતમાં કોરોનાએ ચિંતા વધારી, દેશમાં સૌથી ઝડપી ફેલાવો
રાજ્યમાં કુલ 457 એક્ટિવ કેસ, એક દિવસમાં 64 નવા કેસ નોંધાયા: અમદાવાદમાં વધુ એક મહિલાનું મોત થતા કુલ મૃત્યુઆંક ત્રણ થયો
ગુજરાતમાં આજે જાહેર થયેલા આંકડા પ્રમાણે કોવિડ કેસો દેશભરમાં સૌથી ઝડપી વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના કોવિડ ડેશ બોર્ડ પ્રમાણે આજે (4 જૂન) ગઈકાલની સરખામણીમાં 64 નવા કેસો આવ્યા છે, જેથી દિલ્હી સાથે ગુજરાતમાં પણ સૌથી ઝડપી કોરોનાના કેસો વધી રહ્યા છે.
દેશમાં કોરોનાના સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે આ સાથે ગુજરાત 461 કેસો સાથે દેશમાં સૌથી વધુ રિપોર્ટ થયેલા કોવિડ કેસોમાં ત્રીજો નંબર છે. કેરળ 1373 કેસો સાથે નંબર 1 છે પણ ગઇકાલના પ્રમાણમાં ત્યાં 43 કેસ ઓછા થયા છે. મહારાષ્ટ્રમાં આજે 510 એક્ટિવ કેસો છે જેમાં 16 નવા છે અને દિલ્હીમાં 457માંથી 64 નવા છે.
અમદાવાદમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોનાથી વધુ એક યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષીય યુવતીને કોરોના થયો હતો જે બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેથી અમદાવાદમાં કોરોનાના કારણે મૃત્યુ આંક વધીને ત્રણ થઈ ગયો છે અને ત્રણેય મૃતક મહિલા છે. અમદાવાદમાં આજે કોરોનાના કુલ 71 કેસ નોંધાયા છે અને 30 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
રાજકોટમાં કોરોનાનાં વધુ 9 દર્દીઓ નોંધાયા છે. આજે 6 દર્દીઓ હોમ આઇસોલેટ રહ્યા બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. કુલ દર્દીઓની સંખ્યા 61 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 18 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં 43 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
મોરબી જિલ્લામાં એક જ દિવસમાં કોરોના વાયરસના ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. 24 વર્ષીય અને 34 વર્ષીય બે યુવાનો કોરોના પોઝિટિવ થતા હાલમાં હોમ આઈસોલેશનમાં છે. જ્યારે ટંકારાના ગ્રામ્ય વિસ્તારની 44 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ છે. તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.