ખરાબ હવામાનના કારણે સહકાર મંત્રીના હેલિકોપ્ટરનું રાજકોટમાં ઉતરાણ
મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા બાય રોડ અમરેલી જવા રવાના થયા
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગાંધીનગરથી અમરેલી એક કાર્યક્રમમાં હાજરી આપવા નીકળેલા સહકાર મંત્રી જગદીશ વિશ્ર્વકર્માનું હેલિકોપ્ટરને અમરેલીમાં ઉતરાણને મંજુરી નહીં મળતાં રાજકોટ એરપોર્ટ પર હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યું હતું અને રાજકોટથી સહકાર મંત્રી બાય રોડ અમરેલી કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયા હતાં.
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેમાં ગઈકાલથી દરિયાઈ કાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને અમરેલી-જૂનાગઢ, પોરબંદર પંથકમાં બારે મેઘ ખાંગા થયા છે જેના કારણે પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
ભારે વરસાદને કારણે આજે સવારે ગાંધીનગરથી હેલિકોપ્ટર દ્વારા અમરેલી જવા નીકળેલા સહકાર મંત્રી જગદીશ વિશ્ર્વકર્માનું હેલિકોપ્ટર ખરાબ હવામાનના કારણે અમરેલીમાં ઉતરી શકે તેમ ન હોય હેલિકોપ્ટરને રાજકોટ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવ્યુ હતું.
સહકાર મંત્રી જગદીશ વિશ્ર્વકર્માનું હેલિકોપ્ટર રાજકોટ ઉતર્યા બાદ બાય રોડ અમરેલી કાર્યક્રમમાં હાજર આપવા જવા રવાના થયા હતાં. સહકાર મંત્રીનું હેલિકોપ્ટર રાજકોટ ઉતર્યુ હોવાની એડીશ્નલ કલેકટર ચેતન ગાંધીને માહિતી મળતાં સહકાર મંત્રી માટે અમરેલી જવા માટે કારની વ્યવસ્થા કરી આપી હતી.