ભાજપના પૂર્વ નેતાના નિધન બાદ NRI પુત્રની હાજરી વગર અંતિમ ક્રિયાથી વિવાદ
તાજેતરમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીષ પટેલ ઉર્ફે સતીષ ખેરવાડીનું નિધન થયું હતું. તેમને પુત્ર યોદ્ધે વર્ષોથી કેનેડામાં રહે છે. પિતાના મૃત્યુ બાદ એનઆરઆઇ પુત્રની વાટ જોયા વગર પરિજનો દ્વારા તેમને અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે પુત્રએ હરણી પોલીસ મથકમાં અરજી કરી હતી. જે મામલે તેનું નિવેદન લેવામાં આવ્યું છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક તેમના ભાઇ તેની પત્ની અને તેમણે લીધેલી દત્તક પુત્રી જોડે રહેતા હતા. તેમણે જીવતે જીવ કહ્યું હતું કે, હું મરી જાઉં તો કોઇની રાહ ના જોતા, અંતિમ વિધિ કરી નાંખજો.
શહેરના હરણી રોડ પર આવેલા ડુપ્લેક્ષમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીષ પટેલ ઉર્ફે સતીષ ખેરવાડી તેમના ભાઇ, તેની પત્ની અને દત્તક લીધેલી પુત્રી જોડે રહેતા હતા. અંતિમ સમયમાં તેઓ તેમની સેવાચાકરી કરતા હતા. સતીષ ખેરવાડીનો પુત્ર યોદ્ધે વર્ષોથી કેનેડામાં રહે છે. 2, જુનના રોજ સતીષ ખેરવાડીનું અવાસન થયું હતું. તે જ દિવસે તેમની અંતિમ ક્રિયા કરી નાંખવામાં આવી હતી. અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ તેમને પુત્ર યોદ્ધે વડોદરા આવી પહોંચ્યો હતો. તેની રાહ જોયા વગર અંતિમ ક્રિયા કરી નાંખતા તેણે આ મામલે નારાજગી વ્યક્ત કરતી હરણી પોલીસ મથકમાં અરજી કરી હતી.
આ અરજીની તપાસ એરોડ્રામ ચોકીના પીએસઆઇ ચલાવી રહ્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, અરજી સંબંધે યોદ્ધેનું નિવેદન લેવામાં આવ્યું છે. તેનું કહેવું છે કે, તેણે પોલીસ કમિશનર કચેરીમાં ઇમેલ કર્યો હતો. જેમાં તે ના આવે ત્યાં સુધી પિતાની અંતિમ વિધિ નહીં કરવા જણાવ્યું હતું. પરંતુ અંતિમ વિધિ કરી નાંખવામાં આવી છે. અરજી બાદ શુક્રવારે પરિજનો વચ્ચે મિટિંગ મળનાર છે, આ મામલે ઉચ્ચ અધિકારીઓના દિશાનિર્દેશ અનુસાર વધુ કાર્યવાહી કરવામાં આવશે.