ધ્રોલમાં બિલ્ડિંગના કમ્પ્લિશન પર વિવાદ: ગેરકાયદેસર બાંધકામનો કોર્પોરેટરનો આક્ષેપ
ધ્રોલના ખારવા રોડ પર આવેલ એક બિલ્ડિંગને ધ્રોલ નગરપાલિકાએ કમ્પ્લિશન આપી દેતાં ભારે ચર્ચાઓ શરૂૂ થઈ છે. નગરપાલિકાના કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજાએ આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ અને સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ અંગે ધ્રોલના ચીફ ઓફિસરને લેખિતમાં અરજી કરી છે.
અરજીમાં જણાવ્યા મુજબ બાંધકામમાં નિયમોનો ભંગ થયો છે તેમજ એપાર્ટમેન્ટના માલિકો દ્વારા સરકારી જગ્યા પોતાના પ્લોટમાં ભેળવી દેવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ત્યારે શું માપની પુષ્ટિ કર્યા વગર કમ્પ્લિશન આપવામાં આવ્યું ? તેવા સવાલ ઊભા થયા છે. આ મામલામાં સ્થાનિક રાજકીય સતાધીશોની ભૂમિકા પર પણ શંકાની સોય ઉઠી છે. આ આખી પ્રક્રિયા ટોપથી સપોર્ટેડ છેનહીંતર ફાઇલ આગળ જ ન વધે. બિલ્ડિંગમાં કોઈ રાજકીય વ્યક્તિ અથવા કોર્પોરેટરના હિસ્સા હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે તેજ બની છે, જોકે આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. વિરોધ પક્ષે શંકા વ્યક્ત કરી છે કે જો બિલ્ડિંગમાં રાજકીય જોડાણ ન હોત, તો એટલી ઝડપથી અને વિવાદ વચ્ચે કમ્પ્લિશન મળે તે શક્ય ન હોતું. નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે.
ગેરકાયદેસર બાંધકામ ખડકાઈ રહ્યા છે. અને જવાબદાર અધિકારીઓ મૌન રહે, તો તંત્ર પર ભરોસો કેવી રીતે રહે? હવે આ મામલો રાજકીય રંગ પકડે તેવી શક્યતા છે અને આગામી દિવસોમાં તપાસની માંગ સાથે હલચલ વધશે.
ચીફ ઓફિસરને મીડિયા દ્વારા સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હોતો, જેથી તંત્રનું મૌન વધુ સવાલો ઊભા કરી રહ્યું છે. નાના બાંધકામધારકો મંજૂરી લેવા માટે વારંવાર નગરપાલિકાના ચક્કર લગાવતા હોય છે. એન્જિનિયર દ્વારા નિયમો બતાવીને ફાઇલ અટકાવવામાં આવે છે. હાલ પણ અનેક ફાઇલ અટકેલી પડેલ છે. જ્યારે મોટા બિલ્ડિંગને મંજુરીથી લઈને કમ્પ્લિશન સુધીની પ્રક્રિયા ઝટપટ પૂર્ણ થઈ ગઈ. ત્યારે તંત્રએ આ બાબતે ભેદી મૌન સેવી લીધું છે.