વિશ્ર્વ ગુજરાતી સમાજની ચૂંટણીમાં વિવાદ, ચેરમેનને પદભાર સંભાળવા સામે મનાઇ
તાજેતરમાં યોજાયેલી વિશ્વ ગુજરાતી સમાજની ચૂંટણીમાં તત્કાલીન ચૂંટણી અધિકારીઓએ જી.ડી. પટેલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા અને તેમણે પોતાની ટીમના હોદ્દેદારોની જાહેરાત કરી હતી, પરંતુ એ ચૂંટણી પ્રક્રિયાને પડકારતી અરજી પ્રમુખપદે ચાલુ રહેવા ઈચ્છુક ઉમેદવાર સી.કે. પટેલે ચેરિટી કમિશનરમાં પડકાતા ચેરિટી કમિશનર આર.વી. વ્યાસે નવનિયુક્ત પ્રમુખ અને ટીમને કામગીરી હાથ ધરવા કે પદભાર સંભાળવા સામે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે અને આગામી સુનાવણી તા. 8 જાન્યુઆરીએ રાખવામાં આવી છે.
ચેરિટી કમિશનર સમક્ષ થયેલી રજૂઆતોના અનુસંધાનમાં વચગાળાના સ્થગિત-મોકૂફ હુકમની યાદીમાં જણાવ્યાનુસાર રજૂઆતોના સંદર્ભમાં થયેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે વિવાદિત સ્થિતિ ટ્રસ્ટ હિતમાં અટકાયતી સ્વરૂૂપે યથાવત સ્થિતિની માગણી અને અમલવારી અટકાવવાની માગણી અંગેની રજૂઆત વ્યાજબી જણાય છે.
દરમિયાનમાં મોડી રાતે એક ચૂંટણી અધિકારી ડો. પ્રફૂલ્લ ઠાકર અને ચૂંટણી સલાહકાર દિનેશભાઈ રાવલની સહી સાથે જારી કરાયેલી પ્રેસનોટમાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખપદે સી.કે. પટેલને બિનહરીફ જાહેર કરી અગાઉ જાહેર કરાયેલા ગોરધનભાઈ પટેલની ઉમેદવારીને અમાન્ય હોવાનું નિવેદન અખબારી યાદી દ્વારા કરવામાં આવ્યું છે. ટૂંકમાં વિશ્વ ગુજરાતી સમાજની ચૂંટણીનો મામલો હવે કાયદાની આંટીઘૂંટી અને વિવાદમાં અટવાતો હોવાનું જણાઈ રહ્યું છે.