વડોદરામાં પણ વિવાદ યથાવત, ડો.હેમાંગ જોષીને પ્રચાર કરવા પર હાઇકમાન્ડની બ્રેક?
- પરિચય બેઠકો અને કાર્યકર્તા સંમેલન રદ કરાતા ભાજપમાં ચકચાર
વડોદરા લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડતા પસંદગી પામેલા બીજા ઉમેદવાર ડો.હેમાંગ જોષીને આગામી તા. 3 એપ્રિલ સુધી ચૂંટણી પ્રચારની કોઈ રણનીતિ ના ઘડવા હાઈકમાન્ડ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે. પ્રભારી ગોરધન ઝડફિયા આવે તે બાદ વધુ કામગીરી કરવાનું સૂચન કરવામાં આવ્યું હોવાની કાર્યકર્તાઓમાં ચર્ચા છે. પક્ષ તરફથી અચાનક આવી સૂચના કેમ આપવામાં આવી? તેવા સવાલ તમામ કાર્યકર્તાઓના મનમાં ઊઠવા પામ્યો છે.
હેમાંગ જોશીની પસંદગીથી હજુ પણ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ માટે આ નામ આશ્ચર્યનું માનવામાં આવે છે. કેટલાક કાર્યકર્તાઓએ આ નામ સ્વીકારી લીધું છે પરંતુ પીઢ, અનુભવી અને વર્ષોથી પક્ષ માટે સેવા કરતા અનેક કાર્યકર્તાઓને કદાચ આ નામ પસંદ આવી રહ્યું નથી. હવે કાર્યકર્તાઓમાં ચર્ચા ચાલી રહી છે કે પક્ષે ડો.હેમાંગ જોશીને આગામી તારીખ ત્રણ સુધી પ્રચારની કોઈ રણનીતિ નહીં ઘડવાની સૂચના આપી દીધી છે. આ સાથે જ વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠક પર જે પરિચય બેઠક નક્કી કરવામાં આવી રહી હતી, તે પણ રદ કરી દેવામાં આવી છે. જ્યારે કાર્યકર્તા સંમેલન પણ હવે નહીં મળે અને માત્ર પરિચય બેઠકથી જ પ્રચાર થશે તેવી મૌખિક સૂચના અપાઈ હોવાનું કેટલાક કાર્યકર્તાઓમાં ચર્ચાઇ રહ્યું છે.
વડોદરા શહેરના ભાજપના કાર્યકર્તાઓમાં જે ચર્ચા છે તેનાથી વિપરીત પાર્ટી પ્રમુખનું નિવેદન આવી રહ્યું છે. ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે, હેમાંગ જોશીને હાલ કોઈ પ્રચાર અટકાવી દેવાની મારા તરફથી કોઈ સૂચના આપવામાં આવી નથી. પાર્ટીના અન્ય કોઈ વ્યક્તિએ તેમને કીધું હોય તે બાબત મારા ધ્યાનમાં નથી.બીજી તરફ લોકસભાના ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીને જણાવ્યું કે, પાર્ટીએ મને આવી કોઈ સૂચના આપી નથી. રોજે રોજ મારો ચૂંટણી પ્રચાર વિધાનસભા દીઠ ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહ્યો છે.